નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ બદલાવ થયો નથી અને રેપો રેટ 6.5 ટકાએ યથાવત રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે આજે દ્વિમાસિક મૌદ્રિક નીતિની ઘોષણા કરી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25માં ભારતનું પ્રર્દશન ઉત્તમ રહેવાની આશા છે. તેમણે જણાવ્યું હતું કે, 5 જૂનથી મૌદ્રિક નીતિની સમીક્ષા કરવા અંગેની બેઠક મળી હતી. નોંધનીય છે કે, આરબીઆઇએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધાર્યા હતા. ત્યાર પછી તેમાં કોઈ ફેરફાર થયો નથી. આરબીઆઇના મતે જીડીપીનો દર 7.2 ટકા રહેવાનું અનુમાન છે.
આરબીઆઈએ શુક્રવારે તેના મુખ્ય વ્યાજ દરો યથાવત રાખ્યા હતા. કેન્દ્રીય બેંકને મજબૂત આર્થિક વૃદ્ધિની વચ્ચે મુદ્રાસ્ફીતી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ગવર્નર શક્તિકાંત દાસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, મૌદ્રિક નીતિ સમિતી જેમાં ત્રણ આરબીઆઈ અને સમાન સંખ્યામાં બાહ્ય સભ્યોની બનેલી મોનેટરી પોલિસી કમિટીએ તેની સળંગ આઠમી પોલિસી બેઠકમાં રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો હતો.
ભારતીય રિઝર્વ બેંકે ચાવીરૂપ નીતિ દરો યથાવત રાખ્યા બાદ સ્થાનિક ઈક્વિટી બજારોમાં મજબૂત વલણને અનુરૂપ યુએસ ડોલર સામે રૂપિયો શુક્રવારે 14 પૈસા મજબૂત થઈને 83.39 (પ્રારંભિક ડેટા) થયો હતો. કરન્સી ટ્રેડર્સે જણાવ્યું હતું કે વિદેશમાં મુખ્ય ક્રોસ સામે યુએસ ચલણમાં નબળાઈ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને કારણે પણ રૂપિયાને ટેકો મળ્યો હતો. જોકે, વિદેશી મૂડીના પ્રવાહે રૂપિયાના લાભને મર્યાદિત કર્યો હતો. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં, સ્થાનિક ચલણ રૂ. 83.46 પ્રતિ ડોલરના સ્તરે મજબૂત ખુલ્યું અને ટ્રેડિંગ દરમિયાન 83.48 થી 83.37ની રેન્જમાં રહ્યું છે.