બ્રિટનમાં રખાયેલું 100 ટન સોનું RBI ભારત લાવી, થોડા દિવસો બાદ ફરીથી બીજું સોનુ લવાશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) બ્રિટનમાં રાખવામાં આવેલ પોતાનું 100 ટન સોનું ભારત મગાંવી લીધું છે. આ સોનું હવે દેશની અલગ-અલગ તિજોરીઓમાં રાખવામાં આવશે. 1991 બાદ પ્રથમ વખત આટલા મોટા પાયે સોનાનું મંગાવાયું છે. સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે, લગભગ એટલું જ સોનું આગામી થોડા મહિનામાં ફરીથી દેશમાં પહોંચશે.
આરબીઆઈના ડેટા અનુસાર, માર્ચ 2024ના અંત સુધીમાં દેશમાં કેન્દ્રીય બેંક પાસે 822.1 ટન સોનું રિઝર્વમાં પડેલું છે. તેમાંથી 413.8 ટન વિદેશમાં હાજર છે. વિશ્વની ઘણી કેન્દ્રીય બેંકોની જેમ, RBIએ પણ તાજેતરના વર્ષોમાં સતત સોનાની ખરીદી કરી છે. RBIએ ગયા વર્ષે લગભગ 27.5 ટન સોનું ખરીદ્યું છે. ઘણા દેશોનું સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં પડેલું છે. આઝાદી પહેલાથી આ સેન્ટ્રલ બેંક ઓફ લંડનમાં ભારતનું ઘણું સોનું પણ રાખવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર RBIએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું સોનું ખરીદ્યું છે. આ પછી વિચાર શરૂ થયો કે આ સોનું ક્યાં રાખવું. કારણ કે વિદેશમાં આપણા સોનાનો ભંડાર સતત વધી રહ્યો હતો. તેથી આરબીઆઈએ તેને ભારતમાં લાવવાનો નિર્ણય કર્યો છે. ભારતના આ પગલાથી બેંક ઓફ ઈંગ્લેન્ડને ચૂકવવામાં આવતી ફીનો અમુક હિસ્સો ઘટશે. આ સોનું મુંબઈ અને નાગપુરમાં રાખવામાં આવશે.
ભારતીયો માટે સોનું હંમેશા સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. ચંદ્રશેખર સરકાર દરમિયાન, 1991માં, રાજકોષીય ખાધનું સંચાલન કરવા માટે સોનું ગિરવે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી લગભગ 15 વર્ષ પહેલા RBIએ પણ IMF પાસેથી લગભગ 200 ટન સોનું ખરીદ્યું હતું. ત્યારથી અર્થતંત્રમાં સતત સુધારાને કારણે ભારત સોનાની ખરીદી કરી રહ્યું છે.
આ 100 ટન સોનું ભારતમાં લાવવાનો નિર્ણય સરળ નહોતો. આ માટે આરબીઆઈએ વિવિધ સરકારી એજન્સીઓ સાથે મળીને મહિનાઓ સુધી આયોજન કરવું પડ્યું હતું. આરબીઆઈને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળી છે. જો કે આના પર જીએસટી ચૂકવવામાં આવ્યો છે. ભારે સુરક્ષા વ્યવસ્થા બાદ આ સોનું વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યું હતું.