ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ હવે સીટીપી ઓફિસ દ્વારા બ્લોક અને કચેરીઓના પ્લાનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. 400 કરોડના સમગ્ર પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 100 કરોડના ખર્ચે બે ટાવર બનાવાશે. અને આ માટે ટૂંક સમયમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં વર્ષ 1970-71માં બનેલા જૂના સચિવાલય સંકુલમાં હાલ વિવિધ ખાતાના વડાની કચેરીઓ આવેલી છે. સરકારના 26 વિભાગોના સચિવો અને તેમની કચેરી નવા સચિવાલયમાં કાર્યરત છે જ્યારે તેના પેટા વિભાગો, નિયામક- કમિશનર જેવા ખાતાના વડાની કચેરીઓ જૂના સચિવાલયમાં આવેલી છે. હાલ આ સંકુલમાં 19 બ્લોક છે જે પૈકી 12 બ્લોક 50 વર્ષ જૂના છે અને જર્જરિત બની ગયા છે. લિફ્ટ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, પાર્કિંગ સહિતની અન્ય પાયાની સુવિધાઓ પણ યોગ્ય નથી આથી અદ્યતન સુવિધા સાથેના નવા બ્લોકના નિર્માણ માટે આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. હવે આ સંકુલમાં 9 માળના કુલ 8 બ્લોક બનાવવામાં આવશે. જેમાં લિફ્ટ સહિત અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. હાલ 19 બ્લોકમાં કાર્યરત છે તે તમામ કચેરીઓનો 8 બ્લોકમાં સમાવેશ કરી દેવાશે. એલ આકારના બે ટાવર બ્લોક નં. 5 પાસેની ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પહેલા નવા બ્લોક બનાવવાનું આયોજન કર્યું છે. નવા બ્લોક તૈયાર થઇ જાય અને તેમાં કચેરીઓ શિફ્ટ થઇ જાય પછી જ જૂના બ્લોક તોડી પડાશે. આથી હાલ ખુલ્લી જગ્યા છે ત્યાં બે ટાવર બનશે તે પછી કચેરીઓને શિફ્ટ કરી વધુ જગ્યા ખુલ્લી કરાશે. જૂના સચિવાલયમાં હાલ બ્લોક વચ્ચે બહુ જગ્યા નથી, પાર્કિંગની પણ સમસ્યા છે સાથે અરજદારો માટે ગાર્ડન કે ખુલ્લી જગ્યા પણ ખાસ નથી. નવા 8 બ્લોક બનવાથી તમામ બ્લોક વચ્ચે વિશાળ જગ્યા ઉપલબ્ધ થવાની સાથે પાર્કિંગ અને 2 કે 3 ગાર્ડન પણ બની શકે તેટલી જગ્યા ખુલ્લી થશે.