Site icon Revoi.in

ગુજરાતમાં વાંચનનું સ્તર ઘટ્યું, 229 સરકારી પુસ્તકાલયોમાં 5 લાખ સભ્યો પણ નથી

Social Share

અમદાવાદઃ આજના સોશિયલ મીડિયાના જમાનામાં વાંચનનું પ્રમાણ રોજબરોજ ઘટતું જાય છે. એક જમાનો હતો, લોકો નિયમિત લાયબ્રેરીમાં જતા હતા. જ્યાં અખબારોથી લઈને પુસ્તકો વાંચતા હતા. લાયબ્રેરીના સભ્ય બનીને પુસ્તકો વાંચવા માટે પોતાના ઘેર પણ લઈ જતા હતા. એટલું જ નહીં શાળાઓ અને કોલેજોમાં પણ લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ અખબારોથી લઈને વિવિધ પુસ્તકોનું વાંચન કરતા હતા. તેથી વિદ્યાર્થીઓમાં વૈચારિક શક્તિ અને જનરલ નોલેજમાં પણ વધારો થયો હતો. આજે મોબાઈલ ફોનના યુગમાં વાંચનનો ક્રેઝ ઘટી ગયો છે. નાના શહેરોમાં તો હવે ટ્રસ્ટ કે સામાજિક સંસ્થાઓ દ્વારા ચલાવાતા પુસ્તકાલયો બંધ થવા લાગ્યા છે. રાજ્યમાં 229 સરકારી લાઇબ્રેરીમાં 43.21 લાખથી વધુ પુસ્તકો છે. પરંતુ તેમાં માત્ર 4.90 લાખ જ સભ્યો છે. એક સરકારી રિપોર્ટ મુજબ, રાજ્યમાં 45% એટલે કે 2.19 લાખ સભ્યો તો માત્ર ચાર મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં જ છે. જુની પેઢીમાં હજુ વાંચનનું સ્તર જળવાય રહ્યું છે. પણ નવી પેઢીને વાંચનમાં કોઈ રસ રહ્યો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં સરકારી લાઇબ્રેરીમાં સભ્યો સાથે પુસ્તકો પણ અન્ય જિલ્લાની સરખામણીએ ઓછા છે. સૌથી ઓછા પુસ્તકો અને સભ્યો ધરાવતા 10 જિલ્લામાં 7 આદિવાસી જિલ્લા છે. જેમાં છોટા ઉદેપુર, તાપી, નર્મદા, નવસારી જેવા જિલ્લા સામેલ છે. રાજ્યમાં સૌથી વધુ 86 હજાર સભ્યો સુરતની 9 સરકારી લાઇબ્રેરીમાં છે. સૌથી વધુ પુસ્તકો પણ સુરતની જ લાઇબ્રેરીઓમાં છે. સૌથી વધુ 13 લાઇબ્રેરી આણંદમાં આવેલી છે. અહીં સરકારી લાઇબ્રેરીમાં રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને નગરપાલિકા હેઠળ આવતી લાઇબ્રેરી સામેલ છે. સૌથી ઓછા સભ્યો અને પુસ્તકો ધરાવતા 10 જિલ્લામાં 7 આદિવાસી પ્રભુત્વ ધરાવતા છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને નવસારી સામેલ છે. છોટા ઉદેપુરમાં માત્ર એક સરકારી લાઇબ્રેરી છે. જેમાં 30 સભ્યો અને 13 હજાર જેટલા પુસ્તકો છે. આ 7 જિલ્લામાં માત્ર 20 લાઇબ્રેરીમાં 19550 સભ્યો અને 2.84 લાખ પુસ્તકો છે.

સૂત્રોના કહેવા મુજબ આણંદમાં 13 સરકારી લાઇબ્રેરી આણંદમાં સૌથી વધુ 13 લાઇબ્રેરીમાં 12 હજાર સભ્યો અને 1.46 લાખથી વધુ પુસ્તકો છે. રિપોર્ટ મુજબ, 85 લાઇબ્રેરી રાજ્ય સરકાર હસ્તક છે. જેમાં 3.04 લાખ સભ્યો છે અને 21.31 લાખથી વધુ પુસ્તકો છે. જ્યારે મ્યુનિસિપાલિટીઝ હેઠળ કુલ 157 લાઇબ્રેરીમાં 1.85 લાખ સભ્યો અને 21.89 લાખથી વધુ પુસ્તકો છે. મહાનગરો સિવાય સૌથી વધુ 16 હજાર સભ્યો મહેસાણાની 12 લાઇબ્રેરીમાં છે અને સૌથી વધુ 20 લાખ પુસ્તકો અમરેલીની 12 લાઇબ્રેરીમાં છે.