અમદાવાદઃ ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીનો દૌર ચાલી રહ્યો હોવાથી સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષે મિલકતોની સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફીની આવકમાં 19 ટકાનો વધારો થયો હતો. જ્યારે વર્ષ 2022 માં પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં પણ 11 ટકાની વૃધ્ધિ થઈ છે. રાજય સરકારનાં સતાવાર આંકડા પ્રમાણે કેલેન્ડર વર્ષ 2022માં ગુજરાતમાં 1597188 મીલકતોનું રજીસ્ટ્રેશન થયુ હતું. જે 2021 માં 1429607 મિલકતોનાં રજીસ્ટ્રેશન કરતાં 11 ટકા વધુ હતુ.
રાજ્ય સરકારના મહેસુલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 2022ના વર્ષમાં સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફી પેટેની આવક 8769 કરોડ થઈ હતી. જે 2021 ના 7337.9 કરોડની સરખામણીએ 19 ટકા વધુ હતી. 2020 માં કોરોના ત્રાટકયો હતો અને લોકડાઉન સહીતના પગલાઓ લેવામાં આવ્યા હતા.ત્યારે બાંધકામ સહિતની પ્રવૃતિ સંપૂર્ણ ઠપ્પ થઈ ગઈ હતી.તેની સરખામણી કરવામાં આવે તો પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં 57 ટકા તથા સ્ટેમ્પ ડયુટી આવકમાં 94 ટકાનો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં 2020 માં 1.73 લાખ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું હતું તે 2021 માં વધીને 2.63 લાખ અને 2022 માં 2.96 લાખ થયુ છે. આજ રીતે સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફીની વસુલાત 1331 કરોડ હતી તે 2021 માં 2310 કરોડ અને 2022 માં 2963 કરોડે પહોંચી છે.
રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં સુત્રોએ જણાવ્યું હતું કે કોરોના કાળથી મિલકતોનાં વ્યવહારોમાં નોંધપાત્ર વૃદ્ધિ છે અને સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવામાં આવે તો હજુ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ વિકાસ થઈ શકે છે. ક્રેડાઈ ગુજરાતનાં પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે કોરોના વખતે નાણાકીય અનિશ્ર્ચિતતા હતી હવે આવુ કોઈ જોખમ છે નહિં એટલે લોકો રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ પણ કરી રહ્યા છે.બીન નિવાસી ભારતીયો પણ મિલકતો ખરીદી રહ્યા છે.