જમ્મુ-કાશ્મીરમાંથી સુરક્ષા દળોને પરત બોલાવવા વિચારણા કરાશેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર બળ અધિનિયમને હટાવવાની વિચારણા કરશે. એક સાક્ષાત્કાર દરમિયાન તેમણે કહ્યું કે, સરકાર અહીંથી જવાનોને પાછા બોલાવવા અને કાનૂન વ્યવસ્થાને જમ્મુ-કાશ્મીર પોલીસ પર છોડવાની યોજના બનાવી રહી છે. હાલ જમ્મુ-કાશ્મીર પોલીસ વિવિધ ઓપરેશનોનું નેતૃત્વ કરી રહી છે.
એએફએસપીએ સશસ્ત્ર દળોના જવાનોને અધિકાર આપે છે કે, અશાંત વિસ્તારમાં કામ કરે, તેમજ સાર્વજનિક વ્યવસ્થા માચે જરુર પડે તો તપાસ, ધરપકડ અને ગોળીબાર પણ કરી શકે છે. સશસ્ત્ર દળોના સંચાલનને સુવિધાનજક બનાવવા માટે એએફએસપીએ હેઠળ કોઈ પણ વિસ્તાર તથા જિલ્લાને અશાંત જાહેર કરાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વિપક્ષી નેતા ફારુક અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને આતંકવાદ મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી. જેટલા બોગસ એન્કાઉન્ટર તેમના સમયમાં થયાં છે એટલા ક્યારેય નથી થયાં. છેલ્લા પાંચ વર્ષમાં એક પણ બોગસ એન્કાઉન્ટ થયું નથી. એટલું જ નહીં અગાઉના બોગસ એન્કાઉન્ટરમાં સંડોવાયેલા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમે કાશ્મીરના યુવાનો સાથે વાત કરીશું. પરંતુ પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા સંગઠનો સાથે વાત નહીં કરીએ.
અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે આતંકી પ્રવૃતિઓમાં સંડોવાયેલા 12 સંગઠનો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. 36 વ્યક્તિઓને આતંકવાદી તરીકે જાહેર કર્યાં છે. આતંકી પ્રવૃતિઓને રોકવા માટે 22થી વધારે કેસ નોંધવામાં આવ્યાં છે અને 150 કરોડથી વધુની સંપતિ જપ્ત કરવામાં આવી છે. 90 સંપતિઓ જપ્ત કરવાની સાથે 134 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં છે.