ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા
નવી દિલ્હીઃ “ચાલો વૈશ્વિક ફાર્માસ્યુટિકલ માર્કેટને કબજે કરવા માટે આપણે ‘વૉલ્યુમ’થી “વેલ્યુ” નેતૃત્વ તરફ આગળ વધીએ. સંશોધન, ઉત્પાદન અને નવીનતાની વૈશ્વિક શ્રેષ્ઠ રીતિઓમાંથી જ્ઞાન સંચિત કરવાનો અને આપણાં વૈશ્વિક પદચિહ્ન- ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સને વધારતા સાથે સ્થાનિક માગને પહોંચી વળવા ઉત્પાદનને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણું પોતાનું મોડલ વિકસાવવાનો આ સમય છે.” કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય ફાર્માસ્યુટિકલ એલાયન્સ સાથેના ઇન્ટરેક્ટિવ સત્રમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના અગ્રણીઓ અને આગેવાનોને પ્રોત્સાહન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે “આપણી પાસે પહેલેથી જ જરૂરી “મેન પાવર અને બ્રાન્ડ પાવર” છે અને ભારતીય કંપનીઓ આજે ટોચનાં વૈશ્વિક સ્થાનો પર કબજો કરવા માટે વળાંક પર છે. ભારતને તેના જેનરિક દવાઓનાં ઉત્પાદન અને વૈશ્વિક બજારમાં જથ્થાના હિસ્સાના આધારે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મૂલ્યના આધારે પણ આગળ વધવાનો અને ટોચના વૈશ્વિક સ્થાનો પર કબજો કરવાનો આ સમય છે.
ભારતની “વસુધૈવ કુટુંબકમ”ની ફિલસૂફીનો પુનરોચ્ચાર કરતી વખતે તેમણે કહ્યું કે “આપણે હંમેશા વિશ્વને ટેકો આપવા સાથે સાથે આપણી સ્થાનિક માગણીઓને પણ સંતુલિત કરવામાં માનીએ છીએ. એ મહામારીનાં સંકટ દરમિયાન છે જ્યારે વિશ્વએ ભારત તરફ જોયું, આપણે પહોંચાડ્યું. આનાથી ભારતની શક્તિઓની વૈશ્વિક પ્રશંસા થઈ છે અને આપણે હવે આ તકનો ઉપયોગ તેને “ડિસ્કવર એન્ડ મેક ઈન ઈન્ડિયા”ના આગલા સ્તર પર લઈ જવા માટે કરવો જોઈએ.
ડૉ. માંડવિયાએ ઉદ્યોગને સ્થિરતા પ્રદાન કરતી લાંબા ગાળાની નીતિઓનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. સરકાર ફાર્મા કંપનીઓને ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓ અને રોકાણને ઉત્તેજન આપતી ઇકોસિસ્ટમ માટે પ્રતિબદ્ધ છે તેના પર ભાર મૂકતા, તેમણે કહ્યું, “આ સરકાર સર્વગ્રાહી અભિગમ અપનાવવામાં માને છે. અમારી નીતિઓ વ્યાપક અને સર્વગ્રાહી હિતધારક પરામર્શ પર આધારિત છે જે વ્યાપક, લાંબા ગાળાની અને ગતિશીલ નીતિ ઇકોસિસ્ટમ માટે આધાર પૂરો પાડે છે.
તેમણે ઉમેર્યું હતું કે “આપણે ફાર્મા ઇન્ડસ્ટ્રીની આગેવાની લેવામાં અને ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણમાં તેમના પોતાના મોડલ અને પહેલો પ્રસ્તાવિત કરવા, નવીન તકનીકોમાં રોકાણ કરવા અને સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મોખરે રહેવાની જરૂર છે.
સરકાર સુવ્યવસ્થિત નીતિઓ અને અત્યાધુનિક સંશોધનને સમર્થન આપતી PLI જેવી અસરકારક યોજનાઓ દ્વારા આ ક્ષેત્રને મજબૂત કરશે”. નીતિના મોરચે ઉપરાંત, ડૉ. માંડવિયાએ સંશોધન અને વિકાસમાં રોકાણ, કાર્યક્ષમ ઉત્પાદન ક્ષમતા અને નવીનતા માટે પૂરતી તકો ઊભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું જે હવે સમયની જરૂરિયાત છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ પગલાંઓ દ્વારા આપણે આ ક્ષેત્ર માટે એક વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ બનાવી શકીશું.