શ્રીલંકાની ઘરેલુ ક્લબ નોનડેસ્ક્રાપ્ટિસ ક્રિકેટ ક્લબ – એનસીસીના કેપ્ટન એન્જેલા પરેરાએ પ્રથમ શ્રેણીની એક જ મેચમાં બે બેવડી સદીઓ ફટકારીને ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. આ ક્રિકેટ ઈતિહાસમાં બીજો પ્રસંગ છે કે જ્યારે કોઈ બેટ્સમેને પ્રથમ શ્રેણીની એક જ મેચમાં બે બેવડી સદીઓ ફટકારી હોય.
વેબસાઈટ ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, આના પહેલા 1938માં ઈંગ્લિશ કાઉન્ટી કેન્ટના બેટ્સમેન આર્થર ફેગે એસેક્સની વિરુદ્ધ 244 અને અણમન 202 રનની પારીઓ ખેલીને ઈતિહાસ બનાવ્યો હતો.
પરેરાએ શ્રીલંકાની પ્રથમ શ્રેણીની પ્રીમિયર લીકના આઠમા સ્ટેજની મેચમાં સિંહાલી ક્રિકેટ ક્લબ- એસસીસી વિરુદ્ધ ચાર દિવસીય મેચની પહેલી પારીમાં 203 બોલમાં 201 રન બનાવ્યા હતા અને બીજા દાંવમાં 268 બોલમાં 231 રન બનાવ્યા હતા.
એસસીસીના મેદાનની પિચ ઘણી ફ્લેટ છે. પરંતુ તેમ છતાં પરેરાનું આ પ્રદર્શન એક સારા બોલિંગ આક્રમણ સામે જોવા મળ્યુ છે. જેમાં ધમિકા પ્રસાદ અને સચિત્રા સેનાનયકે જેવા બોલરોએ ધારદાર બોલિંગ કરી હતી. આ બંને બોલરો શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુક્યા છે. પ્રીમિયર લીગની આ સિઝનમાં ઘણાં બેટ્સમેનોએ બેવડી સદીઓ ફટકારી છે. પરેરા જો કે પહેલો એવો બેટ્સમેન છે કે જેણે બે બેવડી સદીઓ ફટકારી છે.