દેશમાં કાળઝાળ ગરમી અને લૂની વચ્ચે વીજળીની માગમાં રેકોર્ડ બ્રેક વધારો
નવી દિલ્હીઃ ગુજરાત અને રાજસ્થાન સહિત રાજ્યના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. બીજી તરફ કોલસાને અછતને કારણે વીજ સંકટના વાદળો ઘેરાયાં છે. દરમિયાન કાળઝાળ ગરમી અને લૂની વચ્ચે વીજળીની માંગમાં વધારો થયો છે. શુક્રવારે બે લાખ મેગાવોટથી વધારે વીજળીની માંગણી કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશના 12 થી વધુ રાજ્યોમાં વીજળીની માંગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખુદ ઉર્જા મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં પીક પાવર ડિમાન્ડ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે 2.50 વાગ્યા સુધી સર્વકાલીન ઉચ્ચ માંગ 207111 મેગાવોટ પર પહોંચી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. કાળઝાળ ગરમી વચ્ચે એપ્રિલ મહિનામાં જ દેશમાં વીજળીની માંગ વધી છે, જેના કારણે કોલસાનો વપરાશ પણ વધ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યોમાં હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. જેથી એસી અને કુલરનો વપરાશ વધ્યો છે. બપોરના સમયે લોકો ઘર અને ઓફિસમાંથી કામ વગર બહાર નીકળવાનું પણ ટાળે છે. તેમજ બપોરના સમયે એસી અને કુલરની સામે બેસીને ગરમીથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. બીજી તરફ કોલસાની અછતને કારણે અનેક રાજ્યોમાં વીજ સંકટની સમસ્યા ઉભી થવાની શકયતા છે. સરકાર પણ કોસલાની અછત ના સર્જાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.