Site icon Revoi.in

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં રેકર્ડબ્રેક તેજી, વેપારીઓ ખૂશ

Social Share

સુરત:  શહેરમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ બન્ને મહત્વના ઉદ્યોગો છે, બન્ને ઉદ્યોગો અનેક લોકોને રોજગારી આપી રહ્યા છે. જો કે હીરા ઉદ્યોગ ઘણા મહિનાઓથી વ્યાપક મંદીના મોજામાં સપડાયો છે. ત્યારે ટેક્સટાઈલ ઉદ્યોગમાં હાલ રેકર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોની ઘરાકી નીકળી છે. તેમજ જે રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે તેથી રાજકીય પક્ષોના બેનર્સ, ખેસ, સાડીઓ વગેરેના પણ મોટા ઓર્ડર મળ્યા છે. એટલે ટેક્સટાઇલ ઉદ્યોગને સામી દિવાળીએ ભારે તેજી છે. જ્યાં છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડ આ દિવાળીએ તૂટવા જઈ રહ્યો છે. કાપડના પાર્સલો ભરીને પ્રતિદિન 350 જેટલી ટ્રકો અન્ય રાજ્યોમાં જઈ રહી છે. આ ઉપરાંત એર કાર્ગો, ટ્રેન અને ટ્રાવેલ્સ મારફતે પણ કાપડનો જથ્થો રાજ્ય બહાર મોકલવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે 15 હજાર કરોડના વેપારની આશા કાપડના વેપારીઓએ રાખી રહ્યા છે.

એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં આવેલી છે. સુરતને ટેક્સટાઇલ તરીકેનું હબ ગણવામાં આવે છે. જેથી અલગ અલગ રાજ્યના વેપારીઓ અહીં ખરીદી માટે આવે છે. શહેરનો ટેક્સટાઇલ ઉદ્યોગ કોરોના કાળથી વ્યાપક મંદીના દૌરમાંથી  પસાર થઈ રહ્યો હતો. સતત મંદીના માહોલમાંથી પસાર થતાં ટેક્સટાઇલ ઉદ્યોગને આ વખતની દિવાળી ફળે તેવી આશા જાગી છે. ટેક્સટાઇલ ઉદ્યોગનો મુખ્ય વેપાર નવરાત્રી, દુર્ગા પૂજા , દિવાળી, છઠ પૂજા અને લગ્નસરાની સીઝનમાં રહેલો છે. ગત વર્ષે માત્ર 60 દિવસ દરમિયાન સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ દ્વારા 12,000 કરોડનો વેપાર કરવામાં આવ્યો હતો. જે ચાલુ વર્ષે 15000 કરોડને પાર કરી જાય તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે.

સૂત્રોના કહેવા મુજબ સુરતના રીંગરોડ વિસ્તારમાં 165થી પણ વધુ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે. જે માર્કેટની અંદર 75 હજારથી વધુની દુકાનોનો સમાવેશ થાય છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષની અંદર આવો દિવસ ક્યારેય જોયો નથી. જ્યાં પ્રતિ દિવસ 350થી વધુ ટ્રક માલ ભરી રાજ્ય બહાર જઈ રહી છે. એટલું જ નહીં પરંતુ રાજ્યની અલગ અલગ કપડા મંડીમાંથી આવતા વેપારીઓ દ્વારા આપવામાં આવતા મબલખ ઓર્ડરોને લઈ ટ્રેન,એર કાર્ગો,ટ્રાવેલ્સ સહિતના માધ્યમો દ્વારા પણ માલ અન્ય રાજ્યો બહાર મોકલવામાં આવી રહ્યો છે. ઓર્ડરની સામે પ્રોડક્શન પણ ઓછું પડી ગયું છે. કારણ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી વેપારીઓને મોટા ઓર્ડરો પ્રાપ્ત થઈ ગયા છે. જે ઓર્ડરને પહોંચી વળવામાં પણ વેપારીઓના પાસે સમય ઓછો છે. છતાં પણ પ્રોડક્શન વધારી આ ઓર્ડરને પૂરો કરવા માટે વેપારીઓ સક્ષમ છે. ટેક્સટાઇલ ઉદ્યોગનો પ્રમુખ તહેવાર એ દિવાળીનો છે. માત્ર 60 દિવસના સમયગાળા દરમિયાન વેપારીઓ સંપૂર્ણ વર્ષનો વેપાર કરી લેતા હોય છે. ગત વર્ષે 12000 કરોડનો વેપાર થયો હતો જે ચાલુ વર્ષે 15000ને પાર કરી જાય તેવી આશા છે.