Site icon Revoi.in

ગુજરાતમાંથી એપ્રિલ દરમિયાન GST-વેટનું રેકર્ડબ્રેક કલેકશન રૂપિયા 9,503 કરોડ,

Social Share

અમદાવાદ: ગુજરાતમાં ડબલ એન્જિનવાળી ભાજપની સરકારના શાસનમાં ઓદ્યાગિક ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેના લીધે રાજ્યમાં જીએસટી કલેક્શનમાં આગવું સ્થાન મેળવી રહ્યું છે. એપ્રિલ મહિનામાં ગુજરાતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કલેક્શનનો રેકોર્ડ બનાવ્યો છે. GSTથી ગુજરાતને કરોડો રૂપિયાની આવક થવાથી સરકારી ખજાનો ભરાઈ ગયો છે. વર્ષ 2023-24ના પ્રથમ માસમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. ગુજરાતમાં એપ્રિલ 2023માં કુલ 9,503 કરોડની આવક થઈ છે. જેમાં એપ્રિલ 2023માં GST પેટે 6499 કરોડ તેમજ વેટ પેટે 3004 કરોડની આવક થઈ છે. ગુજરાતને GSTના અમલીકરણ બાદ સૌથી વધુ આવક નોંધાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત સરકારને જીએસટી અને વેટે પેટે કરોડોની આવક થઈ હોવાની માહિતી મળી છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ માસમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. એપ્રિલ 2023માં કુલ 9503 કરોડની આવક નોંધાઈ છે. જીએસટીના અમલી કરણ બાદ સૌથી વધારે માસિક આવક એપ્રિલ 2023માં નોંધાઇ છે. એપ્રિલ 2023માં જીએસટી પેટે 6499 કરોડની રેકર્ડબ્રેક આવક થઈ છે. જ્યારે એપ્રિલ 2023માં વેટ પેટે 3004 કરોડની આવક થઈ છે. આમ એપ્રિલ 2022ની 7924 કરોડ સામે એપ્રિલ 2023ની આવક 20 ટકા વધી છે. માર્ચ 2023ની 8146 કરોડ સામે 17 ટકા વધી છે. નાણાકીય વર્ષ 2022-23માં રાજ્યને જીએસટી પેટે 103855 કરોડની આવક થઇ હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલ 2023માં જીએસટી કલેક્શનના આંકડાએ ઈતિહાસ રચ્યો છે. GST કલેક્શનના આંકડા પ્રકાશમાં આવ્યા છે, જે મુજબ એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું છે, જે અત્યાર સુધીનો એક ઐતિહાસિક રેકોર્ડ છે. માર્ચ 2023માં દેશનું GST કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા હતું. ગયા વર્ષે એપ્રિલ 2022માં GST કલેક્શન 1,67,540 કરોડ રૂપિયા હતું. એટલે કે ગયા એપ્રિલની સરખામણીમાં આ એપ્રિલમાં જીએસટી કલેક્શનમાં રૂ. 19,495 કરોડ વધુ જીએસટી એકત્ર થયો છે.

GST કલેક્શનનો ડેટા જાહેર કરતાં નાણાં મંત્રાલયે કહ્યું કે એપ્રિલ 2023માં GST કલેક્શન ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ 12 ટકા વધુ છે. 20 એપ્રિલ, 2023ના રોજ એક દિવસમાં 9.8 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં એક જ દિવસમાં 68,228 કરોડ રૂપિયાનો જીએસટી એકત્ર કરવામાં આવ્યો હતો. અગાઉ, એક દિવસમાં ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ ગયા વર્ષે 20 એપ્રિલ, 2022 ના રોજ હતો, જ્યારે એક દિવસમાં 9.6 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં 57,846 કરોડ GST રિકવરી જોવા મળી હતી.