અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી બાદ હવે વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયા છે અને જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યું છે. દરમિયાન 2021ના જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં જીએસટીનું કલેકશન રૂ 7,769 કરોડની રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. ગત વર્ષની સરખામણીમાં જીએસટી કલેકશનમાં વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 2020ના જાન્યુઆરી માસમાં ગુજરાતમાં જીએસટીનું કલેકશન 8.6 ટકા જેટલું વધી ગયું હતું અને તેનો કુલ આંકડો 7,330 કરોડ થયો હતો પરંતુ 2021ના જાન્યુઆરી માસમાં રેકોર્ડબ્રેક કલેકશન થયું છે. જાન્યુઆરી 2021માં રેકોર્ડબ્રેક 7769 કરોડનું કલેશન થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલ જીએસટીના કુલ કલેકશનમાં એસજીએસટી, સીજીએસટી અને આઇજીએસટી તેમજ સેસનો સમાવેશ થાય છે.
ગુજરાતના કોમર્શિયલ ટેકસ કમિશનર જે.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન દરમિયાન અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ હતું પરંતુ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં અસર ઓછી હતી. હવે ગુજરાતનું અર્થતંત્ર હવે ઝડપથી દોડી રહ્યું છે અને ઉત્પાદનમાં તેમજ ડિમાન્ડમાં અને વપરાશમાં પહેલા કરતા ઘણો બધો વધારો થયો છે.