સોના–ચાંદીમાં ઉછાળો, સોનાના ભાવ 10 ગ્રામના રૂપિયા 63,500 અને ચાંદીના કિલોના 80,000
અમદાવાદઃ સોના,ચાંદી, શેર બજાર પર વૈશ્વિક પરિબળોની અસર પજતી હોવાથી તેજી-મંદી આવતી હોય છે. અમેરિકા સહિત યુરોપના દેશોમાં બેન્કોના વ્યાજ દર વધારાને લીધે એની અસર શેર બજાર પર થયા બાદ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા છે. આજે શુક્રવારે સોનું અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો છે. સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું ઝડપી રૂ. 700 પ્રતિ 10 ગ્રામ વધી રૂ. 63,500ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 1500 ઉછળી રૂ. 76500 બોલાઈ ચૂકી છે. હાજર બજારની સાથે વાયદામાં પણ નવી ઊંચી સપાટી જોવા મળી છે.
સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. અમેરિકામાં વ્યાજદરમાં થઈ રહેલા સતત વધારાને કારણે સોના-ચાંદીને સપોર્ટ મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 0.25 bps પૉઇન્ટનો વધારો કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી ઉછળી 2050 ડૉલરની સપાટી કૂદાવી ચૂક્યું છે, જેના પગલે ભાવમાં વધારો આવ્યો છે. આર્થિક સંકટ, , મોંઘવારી જેવા આપત્તિજનક સમયમાં રોકાણ માધ્યમમાં સોનું જ સૌથી વધુ વળતર આપનારું સાબિત થયું છે. સોનું વર્ષ 2023ના ચાર માસમાં સરેરાશ 12 ટકાથી વધુ વધી 63500ના રેકોર્ડ સ્તરે રહ્યું છે. જ્યારે ચાંદી 4 મહિનામાં સરેરાશ રૂ. 9000 વધી ચૂકી છે. રોકાણના અન્ય માધ્યમો તરફ નજર કરીએ તો ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ, રિયલ એસ્ટેટની સરખામણીએ સોનામાં જ સૌથી વધુ અને સલામત રિટર્ન રોકાણકારોને મળી રહ્યું છે. બીજી તરફ સોનાની સતત વધી રહેલી કિંમતોને કારણે નવું ખરીદનારા ગ્રાહકોની સંખ્યા 40 ટકા સુધી ઘટી ચૂકી છે. સસ્તી કિંમતે સોનાની ખરીદી કરી ઊંચા ભાવમાં વેચાણ કરી લોકો સરેરાશ 20-25 ટકા સુધી નફો મેળવી રહ્યાં છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે લગ્નસરાની સીઝન શરૂ થઈ રહી છે. ત્યારે જ સોનાના ભાવે ઐતિહાસિક સપાટી વટાવતા મોંધવારીમાં લગ્ન આયોજકોને વધુ એક ઝટકો લાગ્યો છે. ભાવ વધવાને કારણે સોનાની ખરીદી ઘટશે એવું માનવામાં આવી રહ્યું છે.