અમદાવાદઃ રાજ્યના દરિયાકિનારાઓ ઉપર ફૂંકાતા અત્યંત ઝડપી પવનોને કારણે પવન ઊર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદનમાં રાજ્ય વિક્રમ સર્જે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના વેસ્ટર્ન રિજ્યનલ લોડ ડિસ્પેચ સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યમાં બુધવારે 4712 મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદન નોંધાયું હતું, જ્યારે રાજ્યની મહત્તમ ઊર્જા માગ 14,758 મેગાવોટ હતી. રાજ્યમાં અગાઉ જુલાઈ, 2019માં સર્જાયેલા 108 યુનિટ એટલે કે 4600 મેગાવોટના ઐતિહાસિક આંકડા કરતાં પણ વધુ છે.
રાજ્યમાં ગયા સપ્તાહે પવન દ્વારા સરેરાશ વિદ્યુત ઉત્પાદન ફક્ત 552 મેગાવોટ હતું. કેન્દ્ર સરકારના વેસ્ટર્ન રિજ્યનલ લોડ ડિસ્પેચ સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યમાં બુધવારે 4712 મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદન નોંધાયું હતું, જ્યારે રાજ્યની મહત્તમ ઊર્જા માગ 14,758 મેગાવોટ હતી.પવન ઊર્જાના બે લાભ છે. એક, તે સસ્તી છે અને તેમાં કોઈ મોટો ખર્ચ સામેલ નથી. એટલે, ગ્રાહકો માટે ફાયદાકારક છે. બીજું, તે પર્યાવરણ માટે સુરક્ષિત છે, કેમકે તેનાથી કાર્બોત્સર્જન ઘટે છે. પવન ઊર્જાનાં સાધનો દ્વારા વધુ વીજળી ઉત્પન્ન થયા તો કોલસા આધારિત પ્લાન્ટ્સમાં પેદા થતી વીજળીની ઓછી જરૂર પડે. કોવિડ-19 મહામારીને કારણે અવરોધો છતાં રાજ્યએ વર્ષ 2020-21માં સમગ્ર દેશમાં સૌથી વધુ પવન ઊર્જા ઉત્પાદનની ક્ષમતા વધારી હતી. રાજ્યમાં સ્થપાયેલા અને કાર્યરત પવન ઊર્જાના પ્રોજેક્ટોની એપ્રિલ, 2020થી માર્ચ, 2021 દરમિયાન કુલ ઉત્પાદન ક્ષમતા 1,020.3 મેગાવોટ હોવાનું ઈન્ડિયન વિન્ડ ટર્બાઈન મેન્યુફેક્ચરર્સ એસોસીએશને જણાવ્યું હતું.