અમદાવાદ: શહેરમાં વાહનોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. આથી ટ્રાફિકના નિયમન માટે છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનોને ભરતી કરવામાં આવે છે. શહેરમાં 700 જેટલા ટીઆરબી જવાનોની ભરતી કરવામાં આવી હતી. હાવ તેમને ટ્રાફિકના નિયમો અંગે તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ પૂર્ણ થતાં જ તમામ જવાનોને ટ્રાફિક પોલીસની મદદ માટે મુકવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અનિયમિત હોવાનું અને ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું સામે આવતા પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી પ્રક્રિયા કરીને અન્ય 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોની નિમણૂક કરવામાં આવી હતી. પસંદ કરાયેલા ટીઆરબી જવાનોને હાલમાં તાલીમ આપવામાં આવી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી જે રીતે ટ્રાફિક બ્રિગેડના જવાનો જે રીતે વિવાદમાં આવ્યા હતા તેને ધ્યાનમાં રાખીને આ તમામ જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. વાહન ચાલકો સાથે કયા પ્રકારનું વર્તન કરવું, કાયદાની શું જોગવાઈ છે. ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ન જોવા મળે તે માટે તેમની નિમણૂક માત્ર ત્રણ વર્ષ માટે જ કરવામાં આવી છે. ત્રણ વર્ષ બાદ આ કરાર છે તે આપોઆપ રદ થઈ જશે. તમામ જવાનો છે તે એક મહિનામાં 28 દિવસ સુધી કામ કરી શકશે અને તેઓને પ્રતિદિન ₹ 300 નું મહેનતાણું પણ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક બ્રિગેડને દૈનિક રૂ.300નો પગાર ચુકવવામાં આવશે, તથા આ પગાર અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રસ્ટ દ્વારા પગાર ચુકવવામાં આવશે. નવા ભરતી થનાર TRB જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર, સોફ્ટ સ્કિલ, સિગ્નલ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.