Site icon Revoi.in

ગુજરાતમાં 10 વર્ષના સમયમાં 14 હજાર જેટલા શિક્ષકોની કરાઈ ભરતીઃ CM રૂપાણી

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા 2938 શિક્ષણ સહાયકોને નિયુકિત પત્ર એનાયત કરતાં જણાવ્યું કે, ભાવિ પેઢીના ઘડતરમાં માતા-પિતા કરતાં ઉંચું સ્થાન શિક્ષક સમુદાયનું છે તે તમારા કતૃત્વથી વધારે દૈદિપ્યમાન બનાવવાનું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરામાં પણ ‘‘ગુરૂ ગોવિંદ દોનો ખડે…’’ ઊક્તિ પ્રચલિત છે. એટલે કે ગુરૂની કૃપા તેની જ્ઞાન પુરૂં પાડવાની ક્ષમતાથી જ ગોવિંદના પણ દર્શન થઇ શકે છે.

મુખ્યમંત્રીએ શિક્ષકના વ્યવસાયને નોબેલ પ્રોફેશન ગણાવતાં એમ પણ કહ્યું કે, આ વ્યવસાય મની મેકિંગ નથી પરંતુ સમાજની ઉચ્ચ સંસ્કાર યુકત ચારિત્ર્યવાન ભાવિ પેઢીનું ઘડતર કરવાનું ઉત્તમ સેવાદાયિત્વ આ વ્યવસાય પુરૂં પાડે છે.  રાજ્યની શાળાઓમાં કોરોના દરમિયાન શાળાઓ બંધ હતી પણ શિક્ષણ નહિ, શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓને કોઇ વિષયોના અભ્યાસમાં તકલીફ કે રૂકાવટ ન આવે તે હેતુસર રાજ્ય સરકારે કોરોના સંક્રમણના કાળમાં પણ ફેઇસ લેસ પેપર લેસ-ટ્રાન્સપેરન્ટ ભરતી પ્રક્રિયા હાથ ધરી આ નવનિયુકત શિક્ષકોનું ચયન-પસંદગી ગુણવત્તાના ધોરણે કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાછલા 10 વર્ષમાં રાજ્યની શાળાઓમાં 14 હજાર જેટલા શિક્ષકોની ભરતી આ સરકારે કરી છે. ઓનલાઇન શિક્ષણનો નવતર અભિગમ અપનાવી રાજ્ય સરકારે કોરોના દરમ્યાન વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની પણ કાળજી લીધી છે. શિક્ષક સમુદાય કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીમાં પણ કોરોના વોરિયર્સ તરીકે જોડાયો તેની તેમણે પ્રસંશા કરી હતી.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યવ્યાપી બ્રીજકોર્સ શરૂ કરવાની જાહેરાત કરતાં કહ્યું કે, માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થિઓને પાછલા ધોરણના મુખ્ય વિષયોના અગત્યના પ્રકરણો સમજાવવા માટે આ બ્રીજકોર્સ આવશ્યક છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શીખવાની અને શિક્ષકને પ્રત્યક્ષ શીખવાડવાની આદત હોય છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત રહ્યા છે અને માસ પ્રમોશન પણ મેળવ્યું છે ત્યારે શિક્ષકો બ્રીજકોર્સ થકી વિદ્યાર્થિઓને નવા વિષયો ભણવા માટે સજ્જ બનાવે તે જરૂરી છે. આજે જે વિદ્યાર્થી અગિયારમા ધોરણમાં છે તેણે ધોરણ 9 અને ધોરણ 10ની પરીક્ષા આપી નથી. શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે બ્રીજ કોર્સ અતિ ઉપયોગી બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.