અમદાવાદઃ ગુજરાતમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી સામે શરૂઆતથી વિરોધ ઊબો થયો છે. ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો, અને ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલકોએ પણ વિરોધ કરીને શિક્ષકોની કાયમી ભરતીની માગ કરી હતી. ગ્રાન્ટેડ શાળા સંચાલકોના કહેવા મુજબ ગુજરાતમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 700 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જેમાં સરકારે 11 મહિનાના કરાર આધારિત 4800 જ્ઞાન સહાયકોની ભરતી કરી છે. જેમાં 1000 જેટલા સિલેક્ટ થયેલા ઉમેદવારો નોકરીના સ્થળે હાજર થયા નથી. તેના લીધે શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે.
ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત દૂર કરવા જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 4800 જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી કરવામાં આવી હતી. જ્ઞાન સહાયકની ભરતી તો થઈ, પરંતુ પૂરેપૂરી ભરતી ના થતા અને 1000 જેટલા સિલેક્ટ થયેલા ઉમેદવારો હાજર ન થતા હજુ મોટા ભાગના શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ અંગે શાળા સંચાલક મંડળે CMને પત્ર લખ્યો છે.
રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં એવી રજુઆત કરી છે. કે, રાજ્યમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં 7000 કાયમી માધ્યમિક શિક્ષકોની જગ્યા ખાલી હતી. જેની સામે 4800 જ્ઞાન સહાયકની જિલ્લા કક્ષાએ ફાળવણી કરવામાં આવી હતી. કાયમી શિક્ષકોની જગ્યાએ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી હતી જેમાંથી 20 ટકા જેટલા એટલે કે 1000 શિક્ષકો હાજર થયા નથી. આ ઉપરાંત હાજર થયેલા શિક્ષકોમાંથી 10 ટકા જેટલા શરૂઆતના દિવસોમાં આવ્યા બાદ ફરીથી આવ્યા નથી જેના કારણમાં સ્ત્રી ઉમેદવાર, વતનથી દૂર સ્કૂલ મળી હોય, 4 મહિનાની મુદત જ નોકરી માટે બાકી છે, સમયસર મહેનતાનું મળતું નથી વગેરે પ્રશ્નો છે.
ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળે વધુમાં જણાવ્યું હતું કે, માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર પૂર્ણ થયું અને બીજું સત્ર ચાલુ રહ્યું છતાં હજુ શિક્ષકોની જગ્યા ખાલી પડેલી છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં માધ્યમિક શિક્ષકોની ખાલી જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ, જ્ઞાન સહાયક ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે. TAT અને HTAT પાસ ઉમેદવારોની એક્સ્ટ્રા યાદી ઉપલબ્ધ કરાવવી જોઇએ જેથી લાંબી રજા ઉપર જનાર સામે જ્ઞાન સહાયક ઉપલબ્ધ કરાવી શકાય. (File photo)