ગાંધીનગરઃ રાજ્યમાં એસઆરપીની ભરતી માટે વર્ષ 2016-17માં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પાસ થયેલા ઉમેદવારોને પાંચ વર્ષે પણ નિમણૂંકના ઓર્ડર અપાયા નથી. ઉમેદવારોનું વેરિફિકેશન પણ કરી દેવામાં આવ્યું છે, એમ છતાં પણ હજુ સધી નિમણૂક મેળવી શક્યા નથી. ભરતીપ્રક્રિયાને 5 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ રાજ્ય સરકારે હજુ સુધી નિમણૂક આપી ન હોવાથી ઉમેદવારોએ પોતાના પરિવાર સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવીને આંદોલનની શરૂઆત કરી હતી.
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી પર ઘરણા કરી રહેલા એસઆરપી ભરતીના ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. 20 ટકા વેઈટિંગ પૈકી 10 ટકાને નોકરી મળી ગઈ છે, જ્યારે બાકીના 10 ટકા ઉમેદવારો એસસી, એસટી, ઓબીસીના ઉમેદવારોની ભરતી કરાઈ નથી. આ ઉમેદવારો હજુ પણ વેઈટિંગમાં છે. ઉમેદવારોએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, 10 ટકા ભરતી કરી તો 10 ટકા બાકી કેમ રાખવામાં આવી છે ? તાત્કાલિક ધોરણે નિમણૂકપત્ર આપવામાં આવે એવી માગ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016-17માં ભરતીપ્રક્રિયા શરૂ કરી હતી. રાજ્ય સરકારે એસઆરપીમાં ભરતીની જાહેરાત કરી હતી અને પરિણામ આવ્યા બાદ પાસ થયેલા 20 ટકા ઉમેદવારોને વેઈટિંગમાં રાખવામાં આવ્યા હતા. બાકી રહેલા 10 ટકા વેઈટિંગ ઉમેદવારોએ સરકારને અનેક રજૂઆતો કરી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે રાજ્યમાં 10000થી વધુની ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે પણ એસઆરપીએફના બાકી રહેલા 10 ટકા વેઇટિંગ ઉમેદવારોએ રજૂઆત કરી હતી. આ રજૂઆતને પણ હવે બેથી ત્રણ માસનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ ઉમેદવારો દ્વારા કરાયા હતા.