અમદાવાદમાં 900 બેડની નવી કોવિડ હોસ્પિટલ માટે સ્ટાફની ભરતી શરૂ કરાઈ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. અમદાવાદ અને સુરત શહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં હવે બેડની અછત ઉભી થઈ છે. દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિ.ના કન્વેન્શન હોલમાં હંગામી કોવિડ હોસ્પિટલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આ માટે સ્ટાફની પણ ભરતી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અહીં જરૂર પડે વધારે 500 જેટલા બેડ વધારી શકાય તેવુ પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીઆરડીઓ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા કન્વેનશન હોલમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવાનો નિર્ણય કરાયો હતો. હાલ અહીં હોસ્પિટલ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. પોર્ટેબલ એક્સ-રે અને 150 બેડના ICUની સુવિધા સાથેની હોસ્પિટલ હશે જેમાં જરૂર પડે નવા 500 બેડ ની વધારાની પણ વ્યવસ્થા રહેશે.
આ હોસ્પિટલ માટે મેડિકલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 8 હોદ્દા માટે 262 જગ્યાઓની સીધી ભરતી કરાશે. આ માટે 25 હજાર થી 2 લાખ સુધીનો પગાર અપાશે. 6 ફિઝિશિયન, 9 એનેસ્થિસિયા સ્પેશિયાલીસ્ટની ભરતી કરવામાં આવી રહી છે. 20 મેડિકલ ઓફિસર્સની પણ તાત્કાલિક ભરતી કરવામાં આવશે. 200 સ્ટાફ નર્સ, 20 ફિઝિકલ આસિસ્ટંન્ટ, 2 હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ, 2 બાયોમેડિકલ એન્જિનિયર, 3 લેબોરેટરી ટેક્નિશિયનની ભરતી કરતી કરવામાં આવશે. આગામી અઠવાડિયા સુધીમાં હોસ્પિટલ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.