અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં બે સિસ્ટમ એક્ટિવ થતાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક અત્યંત ભારેથી અતિભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગત વર્ષ (2023)ના જૂન મહિનાની સરખામણીએ આ વર્ષે (2024) જૂન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રમાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. એમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યુ છે. આ સાથે જ એક ટ્રફ મધ્ય ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ સુધી લંબાય છે, જેને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ફક્ત 4થી 5 કલાકમાં અમદાવાદ શહેરમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જોકે ગઈકાલના વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ જેમ જેમ દિવસ ચડતો ગયો એમ એમ બપોર સુધીમાં અમદાવાદના લોકોને બફારાનો અનુભવ થતો ગયો છે, પરંતુ સાંજ બાદ વરસાદની શક્યતા છે. ગઈકાલે દિવસ દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન, સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટીને 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આજે પણ શહેરનું મહત્તમ તાપમાન 31થી 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં 118 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈએ, પરંતુ આ વર્ષે હજુ 104 મિલીમીટર વરસાદ ખાબક્યો છે, જેને કારણે હજુ પણ 12 ટકાની ઘટ છે, જોકે હવામાન વિભાગે અગાઉથી આગાહી કરી હતી કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ રહેશે અને 106 ટકા જેટલો પડશે, પરંતુ જૂન મહિનાના અંત સુધીમાં વરસાદની ઘટ નોંધાઈ છે.