ગુજરાતમાં આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ, 39,177 લોકોનું સ્થળાંતર, પૂરમાં ફસાયેલાને એરલિફ્ટ કરાયાં
ગાંધીનગરઃ રાજ્યમાં અતિભારે વરસાદને પરિણામે આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા નાગરિકોને કોસ્ટ ગાર્ડની મદદથી ચોપર દ્વારા છ નાગરિકોને એરલિફ્ટ કરાયા હતા અને એરલિફ્ટની કામગીરી હજુ પણ ચાલુ છે. તેમ રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી ત્યારબાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, , રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 39,177 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જે પૈકી કુલ 17,394 નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે જ્યારે 21,243 નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા કુલ 570 નાગરિકોનું રેસ્કયૂ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં હજુ પણ રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદવાળા નવસારી, ચિખલી અને ગણદેવી વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે છે.
મંત્રી ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 19 એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે જ્યારે 1 ટીમ રિઝર્વ રખાઇ છે. જ્યારે 22 એસડીઆરએફની પ્લાટુન અને એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની ચાર પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ટીમો દ્વારા 570 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યમાં તા.7મી જુલાઇથી અત્યાર સુધીમાં 43 માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. તે ઉપરાંત 477 પશુઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યના ગામોમાં કાર્યરત 14610 એસટી બસના રૂટમાંથી સલામતિના કારણોસર 148 ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે 18 હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત 5,467 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમા 5426 ગામોમાં વીજ વ્યવસ્થા પૂર્વવત કરાઈ છે. રાજ્યમાં થયેલા વરસાદના કારણે 27 સ્ટેટ હાઈવે, 39 અન્ય માર્ગો અને ૫૫૯ પંચાયતના માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ કરાયા છે તે ખુબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે.
મહેસુલ મંત્રીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે. રાજ્યમાં વરસાદને પરિણામે તા 7મી જુલાઇથી અત્યાર સુધીમાં કાચા અને પાકા કુલ 126 મકાનો સંપુર્ણ નુક્શાન પામ્યા છે અને 19 ઝુંપડા સંપુર્ણ નુક્શાન પામ્યા છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય અપાશે.