રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આવકમાં સૌથી મોટા ગણાતા ગોંડલ અને રાજકોટના માર્કેટ યાર્ડમાં રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ મરચા માટે દેશભરમાં પ્રખ્યાત છે. યાર્ડમાં 65 હજાર ભારી લાલ મરચાની આવક થઈ હતી. યાર્ડની બંને બાજુ ત્રણ કિલોમીટરમાં 1600 જેટલા વાહનોની લાઈન લાગી ગઈ હતી. મરચાની હરરાજીમાં 20 કિલોના મરચાના ભાવ 1000 /- થી 4000 /- સુધીના બોલાયા હતા. જ્યારે રાજકોટના માર્કેટ યાર્ડમાં જીરું અને પીળા ચણાની સૌથી વધારે આવક થઈ હતી. આ ઉપરાંત યાર્ડમાં ડુંગળી, બટાકા, મગફળી અને કપાસ સહિતની જણસીઓની આવક થઈ હતી .
ગોંડલ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલી, સહિતના જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવી રહ્યા છે. ગોંડલ તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. ગોંડલ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ, ગોંડલનું મરચું વિદેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. યાર્ડમાં સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, અને ઓજસ મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચા ગોંડલ યાર્ડમાં આવે છે. સૌરાષ્ટ્રભરના વિવિધ સેન્ટરોમાંથી ખેડૂતો મરચાનું વહેંચાણ કરવા ગોંડલ યાર્ડમાં આવે છે. સોમવારે લાલ મરચાની 65000 ભારીની આવક થઈ હતી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોમવારે સૌથી વધારે જીરું અને પીળા ચણાની આવક થઈ હતી. ઉપરાંત યાર્ડમાં ડુંગળી, બટાકા, મગફળી અને કપાસ સહિતની જણસીઓની આવક થઈ હતી રાજકોટ યાર્ડમાં જીરુંની 6 હજાર ક્વિન્ટલ આવક થઈ હતી. જીરુંના ભાવ ખેડૂતોને 4,300 થી 5,300 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં જીરુંની આવક બાદ પીળા ચણાના પાકની સૌથી વધારે આવક થઈ હતી. પીળા ચણાની યાર્ડમાં 5 હજાર ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને 1,080થી 1,140 રૂપિયા પ્રતિ મણના ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં થયેલી ડુંગળીની આવક 1,750 ક્વિન્ટલ થઈ હતી. યાર્ડમાં ડુંગળીના ભાવ ખેડૂતોને 150થી 381 રૂપિયા ભાવ મળ્યો હતો.