નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને પગલે અનેક ઈસ્લામિક આતંકવાદી સંગઠનોએ ઈઝરાયલ અને તેમને સમર્થન કરનાર દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેમજ લાલ સાગરમાં આતંકવાદીઓ વ્યાવસાયીક જહાજોને નિશાન બનાવીને વેપારને ખોરવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન યમનમાં હુતી વિદ્રોહીઓએ ભારતમાં આવી રહેલા જહાજ ઉપર મુસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલો લાલ સાગરમાં કરવામાં આવ્યો હતો. હુતી વિદ્રોહીઓએ નિવેદન જાહેર કરીને ઘટનાની જાણકારી આપી હતી. હુતી વિદ્રોહીઓ લાલ સાગર અને અદનની ખાડી વિસ્તારમાંથી પસાર થતા જહાજો ઉપર છેલ્લા કેટલાક સમયથી હુમલા કરી રહ્યાં છે. બ્રિટેનના મેરિટાઈમ સિક્યોરિટી ફર્મ એમ્બ્રેએ જણાવ્યું હતું કે, આ હુમલામાં જવાબને ભારે નુકશાન થયું છે.
એમ્બ્રેએ જણાવ્યું હતું કે, જે જહાજ ઉપર હુમલો થયો છે તેની ઉપર પનામાનો ઝંડો લગાવેલો હતો પરંતુ જહાજના સ્વામિત્વ બ્રિટીશ કંપની પાસે છે. જો કે, આ જહાજને તાજેતરમાં વેચી દેવામાં આવ્યું હતું અને હવે સેશેલ્સની કંપની પાસે આ જહાજનું સ્વામિત્વ છે. જે જહાજ ઉપર હુમલો થયો છે તેમાં ઓઈલ ટેન્કર છે, તેમજ રશિયાના પ્રિમોર્સ્કથી ભારતના વાડિનાર જઈ રહ્યું હતું. ઈરાન સમર્થિત હુતી વિદ્રોહી ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદ છેલ્લા કેટલાક સમયથી લાલ સાગર અને અદનની ખાડીમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવી રહ્યાં છે. હૂતી વિદ્રોહીઓ પેલેસ્ટિનના સમર્થનમાં આવી કરી રહ્યું છે. પહેલા હૂતી વિદ્રોહીઓએ પહેલા ઈઝરાયલ સાથે જોડાયેલા જહાજોને નિશાન બનાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય દેશોના જહાજોને પણ નિશાન બનાવી રહ્યાં છે. જેના પરિણામે શિપીંગ કંપનીઓ પોતાના જહાજોને દક્ષિણ આફ્રિકાના લાંબા રૂટ ઉપરથી મોકલી રહ્યાં છે. જેથી પરિવહન ખર્ચ વધ્યો છે જેના પરિણામે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી છે.