Site icon Revoi.in

‘સ્વચ્છ ભારત અભિયાન’ને પગલે બાળકોના અકાળ મૃત્યુમાં ઘટાડો

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ દેશમાં 2011થી 2020 સુધીમાં દર વર્ષે લગભગ 60 હજારથી 70 હજાર બાળકોને અકાળ મૃત્યુથી બચાવ્યા છે. પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સામયિક ‘નેચર’માં આ માહિતી આપવામાં આવી છે.

ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને ઓહિયો યુનિવર્સિટીના સંશોધકોએ ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન અને શિશુ અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના મૃત્યુદર વચ્ચેના સંબંધ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. સંશોધકોએ 2011 અને 2020 ની વચ્ચે 35 રાજ્યો અને 640 જિલ્લાઓમાં શિશુ મૃત્યુદર અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદર પરના ડેટાનો અભ્યાસ કર્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનના સમયગાળા દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન પહેલા અને પછીના વર્ષોની તુલનામાં ભારતમાં શિશુ અને બાળ મૃત્યુદરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, અભ્યાસમાં જણાવાયું છે.

‘નેચર’ મેગેઝિનના આ અહેવાલને શેર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ સ્વચ્છ ભારત અભિયાન જેવા પ્રયાસોની અસરને પ્રકાશિત કરતા સંશોધનને જોઈને ખુશ છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લોકોની શૌચાલયની પહોંચ શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. શહેરોને ખુલ્લામાં શૌચથી મુક્ત બનાવવા વર્ષ 2014માં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.