અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોના પીડિત દર્દીઓની સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આવતીકાલથી નવા દર લાગુ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મનપા અને પ્રાઈવેટ એમ બંને બેડ ધરાવતી હોસ્પિટલોમાં આઈસીયુ સાથે વેન્ટિલેટરના રૂ. 19,600 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે. આવી જ રીતે આઈસીયુ વિનાના વેન્ટિલેટરના રૂ. 16200 ચાર્જ લેવામાં આવશે. આ ઉપરાંત વેન્ટિલેટર વગરના આઈસીયુના રૂ. 14,400, વેન્ટિલેટર સાથેના આઈસીયુના રૂ. 17,500 અને હોસ્પિટલમાં એચડીયુનો નવો દર રૂ. 10,000 નક્કી કરવામાં આવ્યો છે. આમ દર્દી અને તેમના પરિવારજનોને આર્થિક રાહત મળશે. અમદાવાદ શહેરમાં કોરોના પીડિત દર્દીઓની ખાનગી હોસ્પિટલમાં સારવારના ચાર્જમાં કરવામાં આવેલા ઘટાડાને પગલે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઘટાડો થવાની શકયતા છે. તેમજ આગામી એક-બે દિવસમાં કોરોનાની સારવારના ભાવ ઘટાડવામાં આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ કોરોના પીડિત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટીંગના દરમાં ઘટાડાની જાહેરાત કરી હતી. બીજી તરફ અત્યારે રસીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં સર્વેની કામગીરી ચાલી રહી છે.