અમદાવાદઃ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારમાં વધારો થયો છે. જેથી લઘુમતી કોમના લોકો અન્ય દેશમાં શરણ લેવાનું પસંદ કરે છે. પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા અનેક હિન્દુ પરિવારો ગુજરાતમાં વસવાટ કરે છે. આ પરિવારોના સંતાનોને મફત શિક્ષણ સહિતની સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્યની સીએમ રૂપાણીની સરકારે કરી છે. આ ઉપરાંત શરણાર્થી પરિવારોને કોરોનાની રસી પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, વર્ષ 2014 પહેલા સ્થળાંતરીત નાગરીકોને તેમના પાસપોર્ટ રિન્યુઅલ માટે દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસ જવુ પડે છે. જે આર્થિક રીતે પરવડે તેમ નથી. આથી, ભારત સરકારને યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી છે. આ ઉપરાંત લોંગ ટર્મ વિઝા ઉપર રહેતા પાકિસ્તાની હિન્દુ નાગરીકોને આધારકાર્ડ મેળવવા પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્ય સરકારે પાકીસ્તાન, અફધાનીસ્તાન, બાંગ્લાદેશી લધુમતી સમુદાયના નાગરીકોના રેસિડેન્સિયલ પરમીટના દસ્તાવેજો માન્ય ગણવા જણાવ્યુ છે. આ સંબંધે તેમણે ભારત સરકારના સંબધિત મંત્રાલય અને યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડીયાને પણ સુચિત કર્યુ છે.
લોંગ ટર્મ વિઝા ઉપર રહેલા શરણાથી પાકિસ્તાની હિન્દુ પરિવારોને રોજગારીની સુવિધા મળી રહે તે માટે પર્ક પરમીટ ઝડપથી મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રના નિર્દેશો અનુસાર રાજ્ય સરકારે આ શરણાર્થીઓને કોરોના વાયરસ સામે રસી આપવાનો નિર્ણય કર્યો છે.
જાડેજાએ કહ્યું કે LTV પર ગુજરાતમાં રહેતા શરણાર્થીઓને આધારકાર્ડ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાથી સરકારે કેન્દ્ર અને ‘UIDAI’ ને આધાર કાર્ડ મેળવવા માટે સરનામાના પુરાવા તરીકે LTV અથવા રહેણાંક પરમિટ મંજૂર કરવા જણાવ્યું છે.