નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 મેચનું બુકીંગ કરાવનારા ક્રિકેટ પ્રેમીઓને આજથી અપાશે રિફંડ
અમદાવાદઃ કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-ઈંગ્લન્ડ ટી-20 મેચ પ્રક્ષકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ અનેક લોકોએ ટી-20 મેચ માટે ટીકીટ બુકીંગ કરાવી હતી. T-20 મેચના રિફંડની પ્રક્રિયા આજથી હાથ ધરવામાં આવી છે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ ચાલી રહી છે. પ્રથમ બે મેચમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યાં હતા. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા ગઈકાલે જીસીએ દ્વારા આ સ્ટેડિયમમાં રમાનારી 3 મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી ક્રિકેટ પ્રેમી દુઃખી થઈ ગયા હતા. દરમિયાન ત્રણ T-20 મેચના પૈસા પાછા આપવાનો GCA દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઇન રિફંડની પ્રક્રિયા આજે બપોરે શરૂ થશે અને તા. 22મી માર્ચ રિફંડ આપવામાં આવશે. ટિકિટની મૂળ કિંમત જે એકાઉન્ટ અને જે મોડથી ટિકિટ ખરીદવામાં આવી હશે તે પ્રમાણે રીફંડ કરવામાં આવશે.
ઓફલાઇન બુક કરાવેલી ટિકિટના રિફંડની પ્રક્રિયા તા. 18મી માર્ચથી તા. 22મી માર્ચ સુધી સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઓફલાઇન બુક કરાવેલી ટિકિટનું રિફંડ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1 પર આવેલી બોક્સ ઓફિસમાંથી આપવામાં આવશે.