અમદાવાદઃ કોરોના મહામારીને પગલે રાજ્યમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે. તેમજ ધો-1થી 9 તથા 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. બીજી તરફ 10મે થી શરૂ થતી ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા મુલત્વી રાખવામાં આવી છે. જો કે, તા. 15મી મેના રોજ રાજ્ય સરકારે પરિસ્થિતિની સમીક્ષા કરીને બોર્ડની પરીક્ષાની નવી તારીખનો નિર્ણય લેશે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીએ પરીક્ષાને લઈને 18 એપ્રિલના રોજ જાહેરાત કરી છે. હાલ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. પૂરતો સમય આપીને પરિસ્થિતિની સમીક્ષા કરીને 15 મેના રોજ નિર્ણય લેવામાં આવશે. ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતી જોતા ગુજરાત બોર્ડે પણ ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ સ્થગિત કરી છે અને ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પરીક્ષા મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો હતો.