ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના 40 ગામોમાં સરકાર અને અદાણી ફાઉન્ડેશનનો સૂપોષણ યજ્ઞ
વિમળા અને કમળાની મુલાકાતે જીજ્ઞેશને ટટ્ટાર ચાલતો કર્યો
અમદાવાદ: ‘ખોરાકમાં પોષણ શું ?’ મને એટલી ખબર પડે કે મોટા માણસોના છોકરા કરતા મારો જીગો શરીરે નબળો છે’બનાસકાંઠા જિલ્લાના ચૂડમેર ગામના વિમળાને મળ્યા ત્યારે આ વાત કરી ત્યારે તેમના અવાજમાં પણ કંઇક ખૂટતું હોવાનો અહેસાસ થાય એ પહેલા જ એમણે કહયું અમે બેય માણહ આજે આ ગામમાં તો કાલે કોઇ બીજી જગ્યાએ છૂટક મજૂરીએ જાઇએ છીએ. સિઝનમાં વિમળાબેન અને ભરતભાઇ ખેતીમાં ભાગ્યા તરીકે મજૂરી કરે છે. મહાદેવે ઉપર આભ અને નીચે ધરતી આપી છે એટલે ખૂટતું એ જ આપશે એવો વિશ્વાસ નિશ્ચિત તેમનામાં છલકાતો હતો.
જિજ્ઞેશને માર્ચમાં ચાર વર્ષ પૂરા થયા. એના બાપ ભરતને મજૂરીમાંથી ટેમ મળે ત્યારે ઘર આગળ રમતાં સ્વસ્થ જીજ્ઞેશ પર સંતોષની નજર નાખે. બે વર્ષ પહેલા આવતા જતા બધા જીગાનો નબળો બાંધો જોઈને બે શબ્દ કહેતા જાય. એમજ વાત વાતમાં હારે મજૂરીએ આવતા કોઇએ કહયું કે આપણા ચૂડમેર ગામમાં જ બાળકોની તપાસ માટે સંગીની બેનુ ફરે છે અને બાળકોનું વજન કરી યોગ્ય માર્ગદર્શન આપે છે. જરુર હોય તો થરાદ સરકારી દવાખાને પણ લઇ જાય છે.
રાજ્યમાં કૂપોષણના દૈત્યને ડામવા માટે સરકારે હાથ ધરેલા શ્રેણીબધ્ધ પગલાઓમાં ગુજરાતના ઉદ્યોગોને પણ જોડીને આ દીશામાં પરિણામલક્ષી કામ હાથ ધર્યું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ૪૦ ગામો અને ૧ ઝૂપડપટ્ટીમાં બાળકો અને માતાઓમાં સુપોષણની સમજણનો વ્યાપ વધારવાના હેતુથી અદાણી ફાઉન્ડેશને એપ્રિલ-૨૦૧૮થી ’સૂપોષણ’ અભિયાન હાથ ધર્યું છે.
આ અભિયાન હેઠળ ફાઉન્ડેશને જે તે ગામની યોગ્ય અને જવાબદાર બહેનોને ’સુપોષણ સંગીની’ તરીકે પસંદ કરી જેથી જે તે ગામલોકમાં પોતિકાપણાનો ભાવ રહે અને તેમની રોજીંદી ભાષામાં વાતચીત કરી વિશ્વાસ સંપાદન કરવામાં અને આવા બાળકોને સૂપોષિત બનાવવા સુધીના લક્ષ્યને પહોંચવામાં સરળતા અને સફળતા મળે.
ચૂડમેર ગામની ઘર તપાસણી દરમિયાન અદાણી ફાઉન્ડેશનના સુપોષણ સંગીની કમળાબેનને જીજ્ઞેશ કૂપોષિત હોવાનું ધ્યાને આવી ગયેલું. આરોગ્યની તપાસમાં તેના બાવડાની ગોળાઇ ૧૧.૯ સેંમી અને વજન ૮.૬ કી.ગ્રા. અને ઉંચાઇ ૮૨ સેંમી. હોવાની ખબર ૫ડી હતી. જે આરોગ્યની ભાષામાં અતિ કૂપોષિત ગણાય છે. અઢી વર્ષ બાદ પણ તે બરાબર ચાલી શકતો નહોતો. માવતર મજૂરી કરતા હોય તે સ્થળની આજુબાજુમાં ઝાડ નીચે ઝોળી બાંધી તેમાં બાળકને રાખે. આમ જીંદગીના બે છેડાને ભેગા કરવા જતાં બાળક ઉજેર ઉછેરમાં નિઃસહાય રહેતું. સંગીની કમળાએ વિમળાને સમજાવી સરકારે કૂપોષિત બાળકોની માવજત માટે શરુ કરેલા બાળ કૂપોષણ સારવાર કેન્દ્ની માહિતી આપી અને તેમાં લઇ જવા સમજાવ્યા પરંતુ વિમળાએ કહયું કે હું ત્યાં લઇ જાવ તો મારા ઘરનો ચૂલો ના સળગે. તેની એ વાતમાં પણ વજૂદ હતું. આથી સુપોષણ સંગીની કમળાબેને આશા વર્કર બેનને સાથે રાખીને સરકાર દ્વારા આપવામાં આવતો બાલ આહાર જીજ્ઞેશને તેના ઘરે જ થોડો સમય આપ્યો.
જીજ્ઞેશમાં શારીરિક શક્તિનો સંચાર થતો જોઇને તેની માતાને સુપોષણ કાર્યક્રમમાં ભરોસો બેઠો અને દર ૧૪ દિવસે જીજ્ઞેશને આ કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવા તૈયાર થયા. વિમળાએ પછી તો તેની સાત મહિનાની બંસરીને પણ તેની સાથે જ દાખલ કરી. બંસરી પણ કુપોષિત હતી અને તેનું વજન પણ ઓછું હતું અને વિમળાને પણ સમજાવ્યું કે તેને ધાવણ સાથે ઉપરથી પણ ખોરાક આપવો જોઇએ. છ માસ સુધી તેને માતાનું ધાવણ આપવાનું છે. સારવાર કેન્દ્રમાં આ બાળકોની શારીરિક પ્રગતિ જોવા કમળા અને અદાણી ફાઉન્ડેશનના મદદનીશ સુપોષણ અધિકારી નિયમિત મુલાકાત લેતા. આ બન્ને બાળકોના ચહેરાની લકીરોમાં નવા લોહીનો સંચાર જોઇને તેના માતા-પિતાએ આ કાર્યકરો ઇશ્વરે મોકલેલા કોઇ ફરીસ્તાઓ જ હશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
વિમળાએ તો હોંશે હોંશે તેના હાથમાં રહેલું પતાકડું વાંચવા આપ્યું. જેમાં લખ્યું હતું કે સારવાર કેન્દ્રમાં દાખલ થયા પછી ’જીજ્ઞેશની બાવડાની ગોળાઇ ૧૨.૬, વજન, ૧૦.૪ કિ.ગ્રા. અને ઉંચાઇ ૮૭.૨ સેં.મી.’ થઇ.