- બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતનું ગૌરવ
- સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેંનેજર અને અધિક કલેકટર ર્ડા. સંજય જોષીની મસુરી ખાતે આવેલ IAS ટ્રેનિંગ એકેડેમીમાં પ્રોફેસર તરીકે નિમણૂક કરાઇ
- રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થામાં પ્રોફેસર તરીકે નિમણૂંક મેળવનાર ર્ડા. સંજય જોષી ગુજરાત વહીવટી સેવાના પ્રથમ અધિકારી
અમદાવાદ: ગુજરાત સરકારના અધિક કલેકટર ડૉ. સંજય જોષીની ભારત સરકારની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસુરી ઉત્તરાખંડ ખાતે ભારત સરકારના વિવિધ સેવાઓના અધિકારીઓની તાલીમ માટે પ્રોફેસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બનાસકાંઠાના વડગામ તાલુકાના વતની એવા ડૉ. સંજય જોષી એન્જિનિયરિંગની ડિગ્રી ઉપરાંત સોશ્યોલોજી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા કાયદા ક્ષેત્રમાં ડિગ્રીઓ ધરાવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ઉપર પી.એચ.ડી.પણ કરેલ છે. કચ્છના ભૂકંપ સમયે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના પ્રોગ્રામ મેનેજર તરીકે જવાબદારી નિભાવનાર ડૉ. સંજય જોષીએ જી.એસ.ડી.એમ.એ તથા જી.આઇ.ડી.એમ.માં પણ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપેલી છે.
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ દાંતા તાલુકામાં પ્રાથમિક શિક્ષણ મેળવનાર અને હાઈસ્કુલના શિક્ષક જયંતીભાઈ જોશીના પુત્ર ડૉ. સંજય જોષી ગુજરાત વહીવટી સેવાના પ્રથમ અધિકારી છે કે જેમને આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની તાલીમી સંસ્થામાં કામ કરવાની તક પ્રાપ્ત થઈ હોય. અધિક કલેકટર ર્ડા. સંજય જોષીની મસુરી ખાતે આવેલ IAS ટ્રેનિંગ એકેડેમીમાં પ્રોફેસર તરીકે નિમણૂકથી બનાસકાંઠા જિલ્લા સહિત તેમના મિત્ર વર્તુળમાં આનંદની લાગણી વ્યાપી છે. ડીસાના ડૉ.અજય જોશી તેમના મોટા ભાઈ છે. જેઓ પણ તબીબી વ્યવસાય ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે આદર્શ હાઈસ્કૂલના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે.