- કોરોના વાયરસના પ્રકોપ બાદ રાત્રિ કર્ફ્યૂથી રેસ્ટોરાં ઉદ્યોગ પર ફરીથી તોળાતું સંકટ
- અમદાવાદના મોટાભાગના રેસ્ટોરાંએ હવે સાંજે ડાઇન-ઇનની સુવિધા બંધ કરી
- રાત્રિ કર્ફ્યૂથી ઓર્ડર અને આવક ઘટયા
અમદાવાદ: કોરોના વાયરસના વધતા કેસને કારણે લાગૂ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્યૂથી ખાસ કરીને રેસ્ટોરાં બિઝનેસને મોટો આંચકો લાગ્યો છે. રાત્રિ કર્ફ્યૂથી ઓર્ડર અને આવક ઘટયા છે. રાત્રિ કર્ફ્યૂનો સમય રાતે 8 વાગ્યોનો કરી દેવાતાં મોટા ભાગની રેસ્ટોરાંએ સાંજના સમય માટે ડાઇન-ઇન સુવિધા બંધ કરવાનો તેમજ માત્ર મર્યાદિત ટેકઅવે ઓર્ડર લેવાનો નિર્ણય લીધો છે. રેસ્ટોરાંના 85 ટકા આવક સાંજના કલાક દરમિયાન ડાઇન-ઇન અને ઓર્ડરના કારણે થાય છે.
રેસ્ટોરાંના સંચાલકો અનુસાર, રાત્રે દોઢ કલાક કે 5 મિનિટ માટે રેસ્ટોરાં ચલાવવાનો કોઇ અર્થ નથી. તેઓના સ્ટાફને પણ બધુ સમેટીને ઘરે જવામાં સમય લાગે છે. તેથી તેઓએ સાંજે વાગ્યાથી ટેકઅવે બૂકિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને જ્યાં સુધી 8 વાગ્યાનો કર્ફ્યૂ બંધ નહીં થાય ત્યાં સુધી ડાઇન-ઇનની સુવિધા બંધ રાખવામાં આવશે.
મોટાભાગની રેસ્ટોરાંના આવક અને ઓર્ડરમાં ઘટાડો થતાં ધંધામાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રેસ્ટોરાંએ ડાઇન-ઇન સુવિધા બંધ કરી છે અને માત્ર ટેકઅવે શરૂ કર્યું છે. આવક ઘટી છે તેથી ઓપરેટિંગ ખર્ચ પોષાય તેમ નથી.
છેલ્લા ત્રણ સપ્તાહમાં ટેકઅવે ઓર્ડરમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે. શહેરમાં કોવિડ-19ના કેસ જે રીતે વધી રહ્યા છે તે જોતા તેમાં વધારે ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે. એક સમયે રાત્રે ધમધમાટ ચાલતી રેસ્ટોરાંમાં મોડી રાતની ડિલિવરીમાં ઘટાડો થતાં આવક પણ ઘટી છે. જેના લીધે ખાસ કરીને છેલ્લા 15 દિવસમાં ધંધો સ્થિર થયો છે.
નોંધનીય છે કે ઑપરેટિંગ ખર્ચ એટલો જ રહેતો હોવાથી રેસ્ટોરાંના માલિકને હવે ધંધો ટકાવવાની ચિંતા થઇ રહી છે. આગામી સમયમાં જો રાત્રિ કર્ફ્યૂ વધુ લંબાવાય અને કદાચ લોકડાઉન ફરીથી લગાવવામાં આવે તો રેસ્ટોરાં ઉદ્યોગ ફરીથી આર્થિક સંકટમાં મૂકાય તેવી દહેશત છે.
(સંકેત)