- હવે દેશમાં 18-44 વર્ષના લોકો ઑનલાઇન રજીસ્ટ્રેશન વગર રસી લઇ શકશે
- જો કે ગુજરાતમાં રસીકરણ માટે કોવિન એપ પરથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત
- કે ગુજરાતમાં તો રસી લેવા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે: ડૉ. જયંતિ રવિ
ગાંધીનગર: સમગ્ર દેશમાં હવે કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે ત્યારે હવે એવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે હવે 18 થી 44 વર્ષના લોકોએ રસીકરણ માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની આવશ્યકતા નહીં રહે અને તેઓ સ્થળ પર જ જઇને રજીસ્ટ્રેશન કરાવીને રસી લઇ શકશે. જો કે ગુજરાતમાં તો રસી લેવા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે તેવી સ્પષ્ટતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કરી છે.
એક તરફ 18-44 વર્ષની વયજૂથના લોકો માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન દૂર કરવામાં આવ્યું છે તો બીજી તરફ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશન પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત્ છે.
કોરોના સામે લડવા માટે રસી સૌથી મહત્વનું હથિયાર છે ત્યારે હાલમાં સમગ્ર દેશમાં વેક્સિનેશનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. પહેલા 18 થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલથી એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી રહેતી હતી. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિયમને બદલી નાખ્યો છે. હવે રસીકરણ માટે ઑનસાઇટ રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.