- અમદાવાદમાં પાંચમો સીરો સર્વે હાથ ધરાયો
- અમદાવાદમાં 81 ટકા લોકોમાં કોવિડ એન્ટિબોડી મળ્યા
- દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોનની 87% વસ્તીમાં પણ કોવિડ એન્ટીબોડી છે
અમદાવાદ: કોરોનાની બીજી લહેર હવે શાંત પડી છે ત્યારે અમદાવાદમાં એન્ટિબોડીને લઇને સર્વે કરવામાં આવ્યો હતો. પાંચમાં સીરો સર્વે અનુસાર અમદાવાદના દક્ષિણ-પશ્વિમ ઝોનમાં રહેલા લોકોમાં એન્ટિબોડીનું લેવલ સૌથી વધુ જોવા મળ્યું હતું. આ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 87 ટકા વસ્તીમાં કોવિડ એન્ટિબોડી મળી આવ્યા છે.
આપને જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેર પછી 28 મેથી 3 જૂન વચ્ચે પાંચમો સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
AMCએ 5,000 જેટલા લોકોના સેમ્પલ લીધા હતા અને તેમાંથી એકંદરે 81.63% સીરો પોઝિટિવિટી મળી છે. સીરો સર્વેના પ્રાથમિક પરિણામમાં 70 ટકાથી વધુ અમદાવાદીઓમાં કોવિડ એન્ટિબોડી મળ્યા છે.
દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોનની 87% વસ્તીમાં પણ કોવિડ એન્ટીબોડી છે. આ ઝોનમાં મણીનગર, ઈન્દ્રપુરી, કાંકરિયા, વટવા, લાંભા અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. આ બંને ઝોનમાં હાઈ સીરોપોઝિટિવિટી બે પરિબળોને આભારી છે- ડેલ્ટા વેરિયંટ ઈન્ફેક્શન અને રસીકરણ.
2020માં જૂન, ઓગસ્ટ અને ઓક્ટોબર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્રણ સીરો સર્વે પૂરા કર્યા હતા. આ સર્વેના પરિણામ મુજબ લીધેલા સેમ્પલમાંથી અનુક્રમે 17.6%, 23.2% અને 24.2% વસ્તીમાં એન્ટીબોડી હતા.
લેટેસ્ટ સીરો સર્વે પ્રમાણે, મહિલાઓની સરખામણીએ પુરુષોમાં સીરોપોઝિટિવિટી વધુ છે. પુરુષોના 1900 સેમ્પલ લેવાયા હતા જેમાંથી 82%માં એન્ટીબોડી મળી આવ્યા છે, જ્યારે મહિલાઓના 2100 સેમ્પલમાાંથી 81%માં એન્ટીબોડી મળ્યા છે.