- 100મી K9 વજ્ર તોપને સૈન્યમાં કરાઇ સામેલ
- આર્મી ચીફે લીલી ઝંડી આપીને તોપને સૈન્યમાં સામેલ કરી હતી
- આ તોપનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે
સુરત: ભારતીય સૈન્ય પોતાના શસ્ત્ર-સરંજામમાં સતત વધારો કરીને મજબૂત બની રહી છે અને આ જ દિશામાં હવે ભારતીય સૈન્યને 100મી કે9 વજ્ર તોપ મળી ગઇ છે. ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ, એમ એમ નરાવણે, પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ, એડીસીએ ગુજરાતમાં સુરત નજીક હઝિરામાં 100મી કે9 વજ્ર તોપને લીલી ઝંડી આપીને સૈન્યમાં સામેલ કરી હતી. આ તોપનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે.
આર્મીમાં બોફોર્સની હોવિત્ઝરને સામેલ કર્યા પછી સૌથી વધારે લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ અને મજબૂત 100મી હોવિત્ઝરને આર્મીમાં સામેલ કરવામાં આવી છે. આ હોવિત્ઝરને ટ્રક સાથે ટો કરીને લઈ જવી પડતી નથી. આ તોપ 40 કિલોમીટર સુધી દુશ્મનોને ટાર્ગેટ કરી શકે છે અને ત્યારબાદ પોતાની જગ્યા બદલી લે છે. દુશ્મનોના ટાર્ગેટ પર ન આવે તેવી રીતે તોપમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 50 ટન વજનની આ તોપ શૂન્ય રેડિયન્સમાં ફરી શકે છે, એટલે કે તેને ફરવા માટે જગ્યાની જરૂર પડતી નથી.
માત્ર 30 સેકન્ડમાં 40 કિમી સુધી 3 રાઉન્ડ ફાયર કરતી ’કે9 વજ્ર’ તોપના 80% પાર્ટ્સ ભારતમાં બન્યા છે કે 9 વજ્ર હોવિત્ઝરમાં 80 ટકાથી વધારે ભારતમાં બનેલા સ્પેરપાર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે અલગ અલગ ટેક્નોલોજીમાં 50 ટકા ભારતમાં બનેલી છે. જેમાં 13 હજાર નાના મોટા પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની અલગ અલગ કંપનીઓ પાસે તૈયાર કરાવવામાં આવ્યા છે.
તોપની ખાસિયત
આ સ્વદેશ નિર્મિત સિસ્ટમમાં ફાયર કંટ્રોલ સિસ્ટમ, ડાયરેક્ટ ફાયર સિસ્ટમ, એમ્યુનિશન હેન્ડલિંગ અને ઓટોલોડિંગ સિસ્ટમ તેમજ અન્ય પર્યાવરણીય નિયંત્રણ અને સલામતીની વ્યવસ્થાઓ જેવા મહત્વપૂર્ણ પાસાં સામેલ છે.
(સંકેત)