Site icon Revoi.in

લોકોની સતર્કતાનું પરિણામ, કેસ ઘટ્યા, હવે 108ને દૈનિક 64,000ને બદલે 15,000 ફોન આવી રહ્યા છે

Social Share

અમદાવાદ: ભારતમાં કોરોના મહામારી વચ્ચે લોકો હવે વધી ગંભીર અને સતર્ક થયા છે, લોકો હવે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વારંવાર હાથ સ્વચ્છ રાખવા જેવા નિયમોનું પાલન કરી રહ્યા છે અને વધુ કાળજી રાખી રહ્યા છે. લોકોની આ જ સતર્કતાને કારણે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. કેસની સંખ્યામાં ઘટાડો થતા 108 એમ્બ્યુલન્સને રોજ જે ફોન મદદ માટે આવતા હતા તેમાં પણ ઘટાડો થયો છે. કોરોનાના કપરા કાળમાં 108ને 64,000ની આસપાસ ફોન આવવા લાગ્યા હતા, જે આંકડો હવે ઘટીને 15,000ની આસપાસ પહોંચ્યો છે.

કોરોનાના કપરા કાળમાં જે દર્દીઓના ઘર સુધી 108 એમ્બ્યુલન્સ નથી પહોંચી તે લોકો આ સેવાની ટીકા કરી રહ્યા છે, પરંતુ જેમને સમયસર સારવાર મળી છે તેમને ખ્યાલ છે કે એમ્બ્યુલન્સ મળ્યા પછી હોસ્પિટલમાં દાખલ થવાનું આવે ત્યાં સુધીમાં તેમને ઘણી જરૂરી મદદ 108ના સ્ટાફ દ્વારા પૂરી પાડવામાં આવી છે.

108 એમ્બ્યુલન્સ સેવાથી 10 લાખથી વધુ દર્દીઓના જીવ બચ્યા

29મી ઓગસ્ટ 2007થી અત્યાર સુધીમાં એક કરોડથી વધારે લોકોને 108ની સેવા મળી છે, 13 વર્ષના સમયમાં 10 લાખથી વધુ દર્દીઓના જીવ બચાવવામાં 108ની ટીમ સફળ થઈ છે. આવામાં કોરોના કાળમાં 108ની એમ્બ્યુલન્સની મદદ માટે હજારોની સંખ્યામાં ફોન આવ્યા. એક સમયે આ આંકડો 64,000 પર પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં જગ્યા ના હોવાના કારણે દર્દીને લઈને લાઈનમાં ઉભેલી એમ્બ્યુલન્સ માટે પુનરાવર્તન કૉલ્સની સંખ્યામાં પણ વધારો થયો હતો.

બીજી લહેરમાં હંફાવતો કોરોના દર્દીઓને હોસ્પિટલ જવા માટે મજબૂર કરી રહ્યો છે આવામાં એમ્બ્યુલન્સની જરુર વધી જતી હતી, આવામાં અમદાવાદમાં કોરોના સિવાય નોન-કોવિડ દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેને ધ્યાનમાં રાખીને 25 નોન-કોવિડ ઈમર્જન્સી માટે અલગથી એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે જ્યારે 150 એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં કુલ કાર્યરત 800માંથી 533 એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ રખાઈ છે જ્યારે બાકીની નોન-કોવિડ દર્દીઓ માટે રાખવામાં આવી છે.

(સંકેત)