- RSS, કર્ણાવતી વિભાગ દ્વારા RSS, ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક સ્વ. અમૃતભાઇ કડીવાળાના નિધન પર શ્રદ્વાંજલિ સભાનું આયોજન
- શ્રદ્વાંજલિ સભા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધે શબ્દાંજલિ અર્પણ કરી હતી
- કર્ણાવતી વિભાગના કાર્યાલય ડૉ. હેડગેવાર ભવન ખાતે શ્રદ્વાંજલિ સભા યોજાઇ હતી
અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ગુજરાત પ્રાંતના પૂર્વ સંઘચાલક અને વરિષ્ઠ સ્વયંસેવક તરીકે સેવા આપીને લોકચાહના મેળવનારા અમૃતભાઇ કડીવાળાનું થોડા સમય પહેલા કોરોનાને કારણે નિધન થયું હતું. તેમના નિધન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા શ્રદ્વાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી વિભાગ દ્વારા શ્રદ્વાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રદ્વાંજલિ સભા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધ, ડો ભરત પટેલ, કર્ણાવતી મહાનગરના સંઘચાલક મહેશ પરીખ, સ્વ. અમૃતભાઇ કડીવાળાના પુત્ર શેખર કડીવાલા ઉપસ્થિત રહ્યા હતા.
શ્રદ્વાંજલિ સભા દરમિયાન કર્ણાવતી મહાનગરના સંઘચાલક મહેશ પરીખે શબ્દાંજલિ આપતા કહ્યું હતું કે, “શાખાનો કોઇપણ કાર્યક્રમ હોય જેમાં અમૃત ભાઇ કડીવાળા અપેક્ષિત હોય ત્યારે તેઓ ઉપસ્થિત રહેતા. તેઓનો સંપર્ક ખૂબ જ મજબૂત હતો. જો વ્યવસાય, પરિવાર અને સંઘ આ 3 વસ્તુઓને સમન્વય અને પારસ્પરિક સંતુલન રાખતા શીખવું હોય તો તે સ્વ. અમૃતભાઇ કડીવાળા પાસેથી શીખવું પડે. એમની સહજતાને ધ્યાનમાં રાખીને હંમેશા કામ કરીશું. એ જ આપણી સાચી શ્રદ્વાંજલિ છે.
આ ઉપરાંત ડૉ. ભરત પટેલે કહ્યું હતું કે, તેમના જીવનમાંથી ઘણુ શીખવાનું છે અને સ્વીકારવાનું છે. તેઓ સાથે રહેતા ત્યારે હરહંમેશ આપણા વડીલ જેવો અનુભવ થતો. તેની સાથે દરેક વાતો સહજતાથી કરી શકાતી હતી અને તેની પાસે દરેક વાતનું સમાધાન કે નિરાકરણ પણ રહેતું. તેમનું સંઘયાત્રામાં યોગદાન નોંધપાત્ર છે અને આપણે પણ તેમાંથી પ્રેરિત થઇને આપણી જાત ઘસીને તેમના જેવું યોગદાન આપીએ એ જ એમને સાચી શ્રદ્વાંજલિ છે.
જુઓ સંપૂર્ણ શ્રદ્વાંજલિ સભાનો કાર્યક્રમ
શ્રદ્વાંજલિ સભા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધ શબ્દાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, “સ્વયંસેવકત્વની આદર્શ અભિવ્યક્તિ, પારિવારિક, વ્યાવસાયિક, સામાજીક જીવન અને સંઘ જીવનમાં પણ દરેક સ્તરે, દાયિત્વ હોય કે ના હોય, પણ સંતુલિત જીવન કેવી રીતે જીવવું જોઇએ તેનું આદર્શ દ્રષ્ટાંત હોય તો તે સ્વ. અમૃતભાઇ કડીવાળાનું જીવન છે.”
સ્વ. અમૃતભાઇ કડીવાળના સંવાદ ક્ષમતા વિશે વાત કરતા ડૉ. મનમહોન વૈદ્યે જણાવ્યું હતું કે, “તેઓની સંવાદ કરવાની કાબેલિયત વિશેષ હતી. તેઓ જે પણ કંઇ કહેતા કે તેમના વિચાર રજૂ કરતા તે સ્પષ્ટ રીતે કરતા અને મૃદુ ભાષામાં વિચારો વ્યક્ત કરતા હતા. તે ઉપરાંત તેઓ વ્યાવસાયકિ, સામાજીક કે સંઘ જીવનમાં પણ કોઇને પણ સલાહ આપતા તો એક આત્મીય વાલી કે વડીલ તરીકે સલાહ આપતા. કોઇપણ કાર્યક્રમમાં તેમનું સમાપન વકત્વય સટિક, ટૂંકું અને સ્પષ્ટ રહેતું.”
મહિલા સમન્વય કાર્યક્રમના તેઓ માર્ગદર્શક હતા અને દેશભરના કોઇપણ કાર્યમાં તેમનું માર્ગદર્શન નોંધપાત્ર રહેતું. તેઓ હંમેશા બધાના દૃષ્ટિકોણ સાંભળ્યા બાદ તેઓને નિખાલસતાથી સલાહ આપતા હતા.
તેમની જે સૌથી મોટી વિશેષતા હતી, તેમના વિશે વાત કરતા ડૉ. મનમોહન વૈધે કહ્યું હતું કે, “તેમની જે સૌથી મોટી વિશેષતા હતી, એ હતી સમય નિયોજન. પરિવાર માટે, નવા લોકોના સંપર્ક માટે, વર્તમાન કાર્યકર્તાઓ જે કામ કરી રહ્યા છે એમના માટે પણ. જે લોકોની ઉંમર થઇ ચૂકી હોય કે સંઘમાં કોઇ સક્રિય જવાબદારી ના હોય, તે લોકોની યાદી તેમની પાસે રહેતી અને તેઓ દર સપ્તાહે તેઓનો અવશ્ય સંપર્ક સાધતા.
તે ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, “જીવનમાં જે પણ ઉચાટ, મૂંઝવણ, સમસ્યા હોય તો અમૃતભાઇને મળ્યા પછી તેનું નિરાકરણ મળી જાય અને જીવન સાર્થક થાય. દરેક કામ સમર્પણ ભાવ સાથે અને ઉત્કૃષ્ટતા સાથે કરવું તે તેમની વિશેષ ખાસિયત હતી. તેમણે મનમાં કોઇપણ પ્રકારના ભાર વગર તેમની દરેક જવાબદારી સહજતાપૂર્વક અને હસતા હસતા બહાર પાડી છે.”
તેમણે શ્રદ્વાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, “તેમણે જીવનભર જે ધ્યેયસાધના કરી છે અને લોકો પણ તેમાંથી પ્રેરણા લઇને જીવનની રચના એવી રીતે કરે એવી પ્રાર્થના”
શ્રદ્વાંજલિ સભાનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના, કર્ણાવતી વિભાગના કાર્યાલય ડૉ. હેડગેવાર ભવન, કાંકરિયા ખાતે કરવામાં આવ્યું હતું.