Site icon Revoi.in

અમદાવાદથી ધોલેરા વચ્ચે રૂ.6000 કરોડના ખર્ચે તૈયાર થનાર મોનો રેલ દોડશે

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા ધોલેરા અને અમદાવાદ વચ્ચે મોનો રેલ પ્રોજેક્ટને મંજૂરીમાં થયેલા વિલંબ બાદ આખરે સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. જેનાથી અમદાવાદ અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન વચ્ચે મોનો રેલ દોડાવવાની કામગીરીનો પ્રારંભ થશે.

રાજ્ય સરકારે આ માટેના રૂ.6000 કરોડના માસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમના ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂર કર્યો છે. જે પ્લાન્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ હબ ધોલેરા તેમજ ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદને એકબીજા સાથે જોડશે.

કેન્દ્ર સરકારના દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર અંતર્ગત ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે નાણાંકીય અને ટેક્નિકલ આસિસ્ટન્સ માટેની મંજૂરી મેળવી લીધી છે. આ પ્રોજેક્ટને તેની કામગીરી શરુ થયાના 24થી 36 મહિનામાં પૂરો કરવાની આશા દર્શાવવામાં આવી છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૂત્રોનુસાર મોનો રેલ માટેનો રૂટ, અલાઇન્મેન્ટ, સ્ટેશન પ્લાન તેમજ ટેક્નિકલ તથા નાણાંકીય પ્રપોઝલને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી મંજૂરી મળી ગઇ છે. આ પ્રોજેક્ટનો ડીપીઆર ભારત સરકારની મે/સ રાઇટ્સ લિ. દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી ગયા બાદ આ MRTS પ્રોજેક્ટને DMIC માટે JICA(જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી)ના પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે મોનો રેલ પ્રોજેક્ટ માટેની જરૂરી જમીન સંપાદનની કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ સાથે સાથે જ પૂર્ણ કરવામાં આવી છે. મોનો રેલ માટે એક્સપ્રેસ વેની સાથોસાથ એલિવેટેડ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. પ્લાન મુજબ આ રૂટ પર 7 સ્ટેશન પ્લાન કરવામાં આવ્યા છે જે પૈકી 6 એલિવેટેડ રહેશે જ્યારે એક ધોલેરા ખાતેનું સ્ટેશન જમીન પર રહેશે.

(સંકેત)