- ગુજરાતમાં છેલ્લા 2 કે 3 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો
- 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે
- ઇશાન ભારતમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં શીતલહેર અનુભવાઇ રહી છે
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઇશાન ભારતમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં શીતલહેર અનુભવાઇ રહી છે. બુધવારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જીલ્લાના નલિયામાં નોંધાયું હતું. તે ઉપરાંત આજે ગાંધીનગરમાં 15 અને અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે.
રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર-પૂર્વીય ઠંડા પવનની અસરથી રાજ્યનાં મોટા ભાગના શહેરોના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. નલિયા 8.0 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. 12 શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો છે.
હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 26.6 અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 16.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે, ગાંધીનગરમાં 15 ડિગ્રી, વડોદરામાં 16.4, ડીસામાં 12.6, કંડલા એરપોર્ટ પર 12.5, અમરેલીમાં 13.8, દ્વારકામાં 15.8, રાજકોટમાં 10.4 અને વેરાવળમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
નોંધનીય છે કે ઉત્તર ભારતમાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા વધતા હવે તેની અસર ઉત્તર ભારતની સાથે પશ્વિમ, પૂર્વ અને મધ્ય ભારતમાં પણ જોવા મળી રહી છે.
(સંકેત)