- આગામી ગાંધી જયંતિ અને વિશ્વ પ્રાણી દિવસ પર રાજ્યના દરેક કત્લખાના બંધ રહેશે
- તે ઉપરાંત મીટ શોપ, પોલ્ટ્રી અને ફિશ શોપ પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે
- આ પરિપત્રનું ચુસ્તપણે પાલન થાય અને ભારતના દરેક રાજ્યોમાં તે અનુસરાય તેવો સમસ્ત મહાજને કર્યો અનુરોધ
અમદાવાદ: સત્ય, અહિંસા, શાંતિ અન સદભાવના પ્રતિક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જીવન પર્યત “અહિંસા પરમો ધર્મ”ના સૂત્રને અનુસરતા રહ્યા હતા અને મૌનને જ તેઓ સૌથી સશક્ત ભાષણ માનતા હતા. તેઓ હિંસાની વિરુદ્વ હતા ત્યારે આગામી શનિવારે એટલે કે 2 ઑક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે.
બીજી તરફ દરેક જાનવર એક વિશિષ્ટ સંવેદનાત્મક પ્રાણી છે અને એટલા માટે દરેક પશુ સંવેદના અને સામાજિક ન્યાય મેળવવા યોગ્ય પણ છે. પશુઓ પ્રત્યે ક્રૂરતા, પશુ અધિકારોનું ઉલ્લંઘન વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર જાગરૂકતા ફેલવવાના ઉદ્દેશ્ય સાથે તેમજ પશુઓના સંર્વધન અને સંરક્ષણના હેતુસર દર વર્ષે 4 ઑક્ટોબરના રોજ વિશ્વ પ્રાણી દિવસ મનાવવામાં આવે છે.
આગામી ગાંધી જયંતિ અને વિશ્વ પ્રાણી દિવસ પર ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર આ બંને દિવસ દરમિયાન રાજ્યના દરેક શહેરોમાં દરેક કત્લખાના બંધ રહેશે. તે ઉપરાંત મીટ શોપ, પોલ્ટ્રી અને ફિશ શોપ પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે.
તે ઉપરાંત આ દિવસે માંસ, મટન, ચિકન, માછલી , ઇંડાનું વેચાણ પણ પ્રતિબંધિત રહેશે. આ બંને દિવસો દરમિયાન ગુજરાત સરકારના આ પરિપત્રનું રાજ્યના દરેક શહેરોમાં ચુસ્તપણે પાલન થાય તેમજ ભારતના દરેક રાજ્યોમાં આ પ્રકારના પરિપત્ર જેવું પાલન થાય તે માટે સમસ્ત મહાજને દરેકને અનુરોધ કર્યો છે.