- DRDO દ્વારા નિર્મિત 900 બેડની કોવિડ હોસ્પિટલની તૈયારીઓ પૂર્ણ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે
- તેમની સાથે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં બેડની અછત સર્જાઇ છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી 900 બેડ હોસ્પિટલ તૈયાર કરાઇ છે. અમદાવાદના GMDC કન્વેનશન હોલમાં કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે અને આવશ્યક માર્ગદર્શન પૂરું પાડશે. તેમની સાથે સીએમ વિજય રૂપાણી તેમજ આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ પણ હાજર રહેશે.
આ હોસ્પિટલ શરૂ કરતાં પહેલા ટ્રાયલ રન દરમિયાન તમામ તૈયારીઓનું આકલન કરાશે. જેમાં કોરોના દર્દીઓની એન્ટ્રીથી લઇને તેને બેડે સુધી પહોંચાડી સારવાર કરવા અંગેની તમામ સુવિધાઓ ચકાસવામાં આવશે. હાલમાં ગુજરાત યુનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યા તેમજ DRDO તરફથી કર્નલ બીશ્વજીત ચૌબે દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
પ્રારંભમાં 50-50 દર્દીઓની સારવારથી 900 બેડ હોસ્પિટલ શરૂ થશે. ગુજરાત યુનિ. કન્વેશન હોલમાં તૈયાર થઇ રહેલા 900 બેડ સિવાય હજુ વધુ 500 બેડ શરૂ થાય તેવી સંભાવના છે.
DRDO દ્વારા સંચાલિત આ 900 બેડ હોસ્પિટલમાં 150 વેન્ટિલેટર અને ICU ના બેડ તેમજ 750 ઓક્સિજનન બેડ રહેશે તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ 900 બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ હશે.ઓક્સિજનનો સપ્લાય સરળતાથી થઈ શકે તે માટે 35,000 લીટર ઓક્સિજન ક્ષમતાની ટેન્ક તૈયાર કરાઈ છે.તેમજ તકેદારીના ભાગરૂપે વધુ 25,000 લીટર ઓક્સિજનની ટેન્ક પણ મુકવામાં આવશે.
900 બેડની હોસ્પિટલમાં 150 ડોકટર, 10 ફિઝિશિયન, 6 એનેસ્થેટીસ્ટ, 350 નર્સિંગ સ્ટાફ, દર્દીઓની સારવાર કરશે. હેલ્પ ડેસ્ક, રજીસ્ટ્રેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટનું જરૂરી કામ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ સંભાળશે.
DRDO ના 150 જેટલા તજજ્ઞો જેમાં ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ પણ આ હોસ્પિટલમાં છે. DRDO ના 17 ડોકટરો, 75 પેરા મેડિકલનો સ્ટાફ પણ અમદાવાદમાં આવી પહોંચ્યો છે.250 જેટલો નર્સિંગ સ્ટાફ જુદી જુદી કોલેજોમાંથી સિલેક્ટ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓ દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના જીએમડીસી મેદાનમાં આવેલા કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટરમાં યુદ્ધના ધોરણે આ 900 બેડની અદ્યતન હૉસ્પિટલ ઉભી કરવામાં આવી છે.
(સંકેત)