યુદ્વના મેદાનમાં ઘોંઘાટ વચ્ચે સ્પષ્ટ સંદેશો સાંભળી શકશે સૈનિકો, ગાંધીનગરના વિદ્યાર્થીએ આ ડિવાઇઝ વિકસિત કર્યું
નવી દિલ્હી: યુદ્વની પરિસ્થિતિમાં દુશ્મનોને મ્હાત આપવા માટે સૈનિકોની બહાદુરી અને ચપળતા ઉપરાંત આંતરિક કોમ્યુનિકેશન પણ જરૂરી છે. ક્યારેક સતત ગોળીબારના કારણે સૈનિકોના કાન સુધી અસ્પષ્ટ અવાજ પહોંચે છે. ત્યારે હવે સૈનિકો માટે ગાંધીનગર IITના વિદ્યાર્થીએ એવું ડિવાઇઝ વિકસાવ્યું છે જે આ કમ્યુનિકેશન ગેપને ભરી શકે છે.
આજે જો યુદ્વ લડાય તો મિસાઇલ, હેલિકોપ્ટર રોટર અને અન્ય યુદ્વ શસ્ત્ર-વાહનોના ભારે અવાજ વચ્ચે સત સૈનિકો રહેતા હોય છે. જેના કારણે કમ્યુનિકેશનમાં પણ અવરોધ આવે છે. જો કે, આ સમસ્યાન નિરાકરણ માટે ગાંધીનગર IITના ચંદન કુમાર ઝાએ એવુ ડિવાઇઝ વિકસિત કર્યું છે જેની મદદથી ભારતીય સૈનિકો પોતાની ટીમના સભ્યો સાથે યુદ્વ મેદાનમાં પણ અવરોધન વિના વાત કરી શકશે.
ચંદન કુમારે એક માઈક્રોફોન તૈયાર કર્યું છે જે વાળ કરતાં પણ પાતળું છે અને તેની સાથે ફોનની સાઈઝનું ડિવાઈસ બનાવ્યું છે જે આસપાસના ઘોંઘાટને દૂર કરીને સ્પષ્ટ કમ્યુનિકેશન કરવામાં મદદરૂપ બને છે.
તાજેતરમાં જ DRDO દ્વારા ચંદન કુમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેને વિસ્તૃત પ્રપોઝલ મોકલવાનું કહ્યું હતું. જેથી તેઓ ડિવાઇઝ તૈયાર કરવામાં સહાયરૂપ બની શકે. ઑક્ટોબર 2019માં DRDOએ ડેર ટુ ડ્રીમ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તેમાં 3,000 સ્પર્ધકોને પછાડીને ચંદન કુમારે 5 લાખ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યું હતું. આ સ્પર્ધામાં ચંદન કુમારે આ ડિવાઇઝના કોમ્સેપ્ટનો પુરાવો રજૂ કર્યો હતો.
“અમે ડિઝાઈનમાં સુધારા કરી રહ્યા છીએ જેથી તે વધુ સંવેદનશીલ અને યૂઝર-ફ્રેન્ડલી બને. આ વર્ષે ડિવાઈસનું ફિલ્ડ ટેસ્ટિંગ થશે તેવી સંભાવના છે”, તેમ ગાંધીનગર IITમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડીની ડિગ્રી મેળવનારા ચંદન કુમાર ઝાએ જણાવ્યું.
વિવિધ વેબસાઈટ પ્રમાણે, વિવિધ ઓપરેશન સાથે સંકળાયેલા સૈનિકો યુદ્ધ દરમિયાન ઘોંઘાટનો અવરોધ અનુભવે છે. જેની રેન્જ હેલિકોપ્ટરની અંદર 110 dBથી માંડીને હાવિટ્ઝર (એક પ્રકારની ટૂંકી તોપ) ફાયર થાય ત્યારે આવતા 190 dB સુધીની હોય છે. સામાન્ય સંવાદ 60 dB પર શક્ય બને છે અને ચાલતી ગાડીની અંદર આ ક્ષમતા 70 dB હોય છે.