શૈલેષ સગપરિયા
રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડીયાને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલ ખાતેની કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. મેડિકલ કોલેજના સ્ટુડન્ટ તરીકે દર્દીને દવા આપવી, ઓક્સિજન માપવું, દર્દીઓનું ઓબ્ઝર્વેશન કરવું, દર્દીને શિફ્ટ કરાવવામાં મદદ કરવી વગેરે જેવા કામ અપેક્ષાને સોંપવામાં આવેલા.
અપેક્ષાના પરિવારમાં એક દુઃખદ ઘટના બની. તા.6 એપ્રિલના રોજ એના પિતાનું અવસાન થયું. હજુ પિતાના અવસાનના આઘાતમાંથી બહાર આવે ત્યાં 10મી એપ્રિલના રોજ એના માતાનો પણ કાળમુખા કોરોનાએ ભોગ લીધો. મૂળ માણાવદરના અને હાલ રાજકોટમાં રહેતા 4 વ્યક્તિના પરિવારમાં માતા-પિતાની ગેરહાજરીમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતા ભાઈની સાથે પરિવારની જવાબદારી પણ આ 20 વર્ષની દીકરી પર આવી પડી.
માતા-પિતાને ગુમાવ્યા બાદ પણ આ દીકરી ફરીથી પોતાની ફરજ પર હાજર થઈ ગઇ. ફરજ પરના અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે દીકરીને ઘરે રહેવું હોય તો ઘરે રહેવાની છૂટ આપી પરંતુ અપેક્ષાએ ઘરે રહેવાની ના પાડી અને પોતાની ડ્યુટી જોઈન કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં લાગી ગઈ.
અપેક્ષાને જ્યારે પૂછ્યું કે ઘરમાં આવી કરુણ ઘટના બની ગઈ તો પણ તું કેમ પાછી ફરજ પર આવી ગઈ ? ફરજ પર પરત ફરવા માટે તને કોઈએ કહ્યું પણ નથી. આ દીકરી જવાબમાં કહે છે ‘મારી જેમ બીજા કોઈએ માતા-પિતાની છત્રછાયા ન ગુમાવવી પડે એટલે હું કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં લાગી ગઈ છું. મારા મતે મારા માતા-પિતાને શ્રદ્ધાંજલિ આપવાનો આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. સમરસ હોસ્ટેલમાં એક યુવાન બહેનને વેન્ટિલેટરની જરૂરિયાત પડતા તેને સિવિલ સુધી શિફ્ટ કરવાની મને જવાબદારી મળી ત્યારે મેં ઓછામાં ઓછા સમયમાં એ યુવાન બહેનને સિવિલમાં શિફ્ટ કર્યા અને એ બહેન બચી ગયા. લોકોનું જીવન બચાવીને હું મારા માટે-પિતાના આત્માને શાંતિ અપાવવામાં નિમિત્ત બનીશ.’
અપેક્ષા હજુ 3 વર્ષ પછી ડોક્ટર બનશે પણ એના વિચાર અને આચારથી તો એ આજે જ સર્વોત્તમ ડોકટર છે.