Site icon Revoi.in

અંગદાન જનજાગૃતિ માટે અંગદાન રથનો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શુભારંભ

Social Share

અમદાવાદ: અંગદાન એ અન્યના જીવનને પ્રજવલિત કરતું મહાદાન છે ત્યારે અંગદાન માટે જનજાગૃતિ ખૂબ જ આવશ્યક છે. આ દિશામાં રાજ્યમાં અંગદાન અંગે જન જાગૃતિ થાય તે ઉદ્દેશ્ય સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના અંગદાન રથનો ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ અને અંગદાન જનજાગૃતિ અભિયાનના પ્રણેતા દિલિપ દેશમુખ (દાદા)ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત ટેક્નોલોજીના માધ્યમથી પણ અંગદાન અંગે લોકો જાગૃત થાય અને આ માટે આગળ આવે તે માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રત્નમ્ ફાઉન્ડેશનના સહયોગથી જનજાગૃતિ માટે બનેલી શોર્ટ ફિલ્મ ‘તર્પણ’ અને તેના પ્રચાર-પ્રસાર માટેના પોસ્ટર્સનું પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લોકાર્પણ કર્યું હતું.

અંગદાન અંગે લોકોમાં જાગરુકતા ફેલાવવા માટે અંગદાન રથ ગુજરાતમાં ગામડે ગામડે ફરશે. સમગ્ર રાજ્યની 900થી વધારે હોસ્પિટલોમાં જનજાગૃતિ માટેનાં પોસ્ટરો લગાડવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ લોકોએ અંગદાનના મહાઅભિયાનમાં જોડાવવા માટે લોકોને અપીલ કરી હતી.

આ દરમિયાન અંગદાન જનજાગૃતિ અભિયાનના પ્રણેતા દિલિપ દેશમુખે કહ્યું હતું કે, અંગદાન અને શરીરનું દાન બંને અલગ વસ્તુ છે. દરેકને તેનો અર્થ અને તફાવત વિશે જાણ હોવી જોઇએ. આપણા દેશમાં, મૃત્યુ બાદ શરીરનું દાન વધુ પ્રમાણમાં થાય છે પરંતુ હજુ પણ અંગદાનને લઇને હજુ પણ તેટલી જાગૃતિ જોવા નથી મળતી. કિડની, હૃદય, લિવર, ફેફસાં જેવા અંગો અન્ય કોઇ વ્યક્તિના જીવનમાં પ્રાણ ફૂંકી શકે છે. અત્યારે દેશમાં 3 લાખથી વધુ લોકો અંગદાન માટે પ્રતિક્ષા કરી રહ્યાં છે.

ગુજરાતમાં અંગદાન અંગે જનજાગૃતિ વિશે વાત કરતા તેઓએ કહ્યું હતું કે, ગુજરાતમાં આ અંગે જાગૃતિ માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ ગુજરાતના દરેક ગામડે જશે અને આ અંગે જાગરુકતા ફેલાવવા અનેક પ્રવૃત્તિઓ કરશે. પીએમ મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં અંગદાન મહાભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. અનેક હોસ્પિટલોની બહાર અંગદાન માટેના પોસ્ટર્સ લગાડવામાં આવશે તેમજ શોર્ટફિલ્મનો પણ પ્રસાર કરાશે.