- ભારતીય શિક્ષણ મંડળની ઑનલાઇન બેઠક યોજાઇ
- આ બેઠકમાં ભારતીય શિક્ષણ મંડળની અમદાવાદ શહેર કાર્યકારિણીના સભ્યોની નિમણૂક કરાઇ
- ડૉક્ટર વિનોદ પાંડેની અમદાવાદ શહેર કાર્યકારિણીના અધ્યક્ષ પદે નિમણૂક
અમદાવાદ: ભારતીય જીવન મૂલ્યો આધારિત શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો/ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે ૧૯૬૯થી કાર્યરત ભારતીય શિક્ષણ મંડળનું સમગ્ર ગુજરાત પ્રાંતમાં કાર્ય જોશભેર ચાલી રહ્યું છે. આ સંદર્ભે ગઈકાલે યોજાયેલી ઓનલાઇન બેઠકમાં અમદાવાદ શહેર કાર્યકારિણીના સભ્યોની નિમણૂક થઇ હતી. પ્રાંત અધ્યક્ષ ડૉ નવીનભાઈ શેઠની સુચના મુજબ શહેર કાર્યકારિણીના અધ્યક્ષ પદે ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વડા પ્રો.વિનોદ પાંડેની નિમણૂક કરવામાં આવી હતી. ભારતીય શિક્ષણ મંડળના પ્રાંત પ્રચાર પ્રમુખ ડૉ. શિરીષ કાશીકરે આ જાણકારી આપી હતી.
આ ઉપરાંત અન્ય પ્રકલ્પોના પ્રમુખ, ઉપપ્રમુખ અને સંયોજકોની પણ નિમણૂક કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગર કાર્યકારણીના ઉપાધ્યક્ષપદે ડૉ.જયેશભાઈ ઠક્કર, મંત્રીપદે ડો. રાજેશ રબારીની નિમણુંક કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા પ્રકલ્પના અધ્યક્ષપદે નૂપુરબેન પટેલ, ગુરુકુળ પ્રકલ્પના પ્રમુખપદે જનકરાય સાંકલીયા, શાળા પ્રકલ્પના અધ્યક્ષપદે ડો. વિપુલ દવે, યુવા આયામના અધ્યક્ષપદે મનીષ પાંડે, અમદાવાદ મહાનગરના સંપર્ક પ્રમુખ પદે રાજ કરમચંદાનીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ વિશ્વવિદ્યાલયના સંયોજકોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
આ બેઠકમાં નવનિયુક્ત સભ્યો ઉપરાંત ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ રાજેન્દ્ર તિવારી, અન્ય પદાધિકારીઓ વિજય ભદૌરિયા, ડૉ.દીપક કોઈરાલા, જ્ઞાનેશ્વર ગાયકવાડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.