રાજ્યના વાહનચાલકો પાસે પૂરતા દસ્તાવેજ ના હોય તો તેઓ પાસેથી ઉચ્ચક દંડની જ વસૂલાત કરાશે
- રાજ્યના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય
- પૂરતા દસ્તાવેજ ના હોય તો વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલાશે
- આ રીતે વાહન ચાલકોને એક રીતે રાહત મળશે
અમદાવાદ: હાલમાં કોરોના સંક્રમણના સંજોગોમાં રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલાત કરવાની સૂચનાઓ સીએમ રૂપાણીએ આપી છે. આ અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, હાલ કોરોના મહામારી દરમિયાન ફરજીયાત માસ્ક પહેરવા અંગે અને તેના સઘન અમલ માટે પોલીસ તંત્ર દ્વારા ઝૂબેશ હાથ ધરાઇ રહી છે.
મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆતો કરવામાં આવી હતી કે, કોરોના સમયમાં પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટૂ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર લઇને જતા-આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. આવા સંજોગોમાં RTOના નિયમ અનુસાર વાહન ચાલકોના વાહનો જપ્ત કરાય છે અને તેને છોડાવાની પ્રક્રિયા લાંબી ચાલે છે.
આ રજૂઆતો બાદ રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય કરાયો છે કે, હવે આવા વાહનો માટે ઉચ્ચક દંડની વસૂલાત કરાશે. તે ઉપરાંત ટુ વ્હીલર તેમજ થ્રી વ્હીલર માટે રૂ.500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ.1000નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે. આ રીતે વાહન ચાલકોને મોટી રાહત અપાઇ છે. તે ઉપરાંત હવે આવા વાહનો માટે જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે.
નોંધનીય છે કે, રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે જે મુજબ રાજયમાં પોલીસ અધિકારીઓ કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-૧૯૮૮ અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.
(સંકેત)