Site icon Revoi.in

નિર્ણય: વર્ષ 2023થી 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ અપાશે

Social Share

ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે હાલમાં ખાનગી સ્કૂલોમાં પ્રી-પ્રાઇમરીના એડમિશન ચાલી રહ્યા છે ત્યારે જૂનિયર અને સિનિયર કેજીમાં બાળકોના એડમિશનને લઇને વાલીઓ માટે સરકારે મહત્વની સ્પષ્ટતા કરી છે. સરકારે એડમિશન માટેના નવા નિર્ણય વિશે જણાવતા કહ્યું હતું કે, વર્ષ 2023થી 1લી જૂને 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. જેથી આ નવા નિયમને ધ્યાનમાં રાખીને વાલી પોતાના સંતાનને પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં દાખલો અપાવે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગત 31 જાન્યુઆરી 2020ના રોજ નોટિફિકેશન જાહેર કરી RTI રૂલ્સ અંતર્ગત નવા નિયમનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 2023-24થી 1 જૂને 6 વર્ષ પૂરા કરનારા બાળકને જ ધોરણ 1માં એટલે કે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જો 1લી જૂને બાળકને 6 વર્ષ પૂરા નહીં થયા હોય તો શાળામાં પ્રવેશ નહીં મળે.

ખાનગી સ્કૂલોમાં કોઇપણ વયના બાળકને આડેધડ પ્રવેશ અપાતો હોવાથી સરકાર દ્વારા ધોરણ 1માં પ્રવેશ માટે ચોક્કસ વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. હાલ પ્રી-પાઇમરીના એડમિશન ચાલી રહ્યા છે ત્યારે જો બાળકોને જૂનિયર કે.જી, સિનિયર કે.જી. કે નર્સરમાં મૂકવાનો હોય તો નવા નોટિફિકેશનને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવામાં આવે. પ્રાથમિક શિક્ષણ વિભાગે આ સ્પષ્ટતા કરી છે.

નોંધનીય છે કે, હાલ ત્રણ વર્ષ સુધી 5 વર્ષની ઉંમરના બાળકોને પ્રવેશ અપાશે અને ત્યાર પછીના વર્ષથી 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા વિદ્યાર્થીઓને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ હવે કોઈ પણ બાળકે જે તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેમને ધોરણ-1માં પ્રવેશ આપવામાં નહીં આવે. શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22, અને 2022-23 દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.

(સંકેત)