- કોવિડ-19 મહામારીને કારણે રાજ્ય સરકારની તિજોરીને પણ પડ્યો ફટકો
- આ કારણોસર રાજ્ય સરકાર આ વખત બજેટના કદમાં 30% સુધીનો મૂકશે કાપ
- બજેટ આ મહિનાના અંત સુધીમાં ફાઇનલ કરી દેવાશે
ગાંધીનગર: કોવિડ-19 મહામારીને કારણે દેશના અર્થતંત્રને ફટકો પડવાની સાથોસાથ રાજ્ય સરકારની તિજોરીને પણ ફટકો પડ્યો છે. હકીકતે, રાજ્ય સરકારે તમામ વિભાગોને પોતાનું સુધારેલું બજેટ રજૂ કરવાની સૂચના આપી છે. સુધારેલું અંદાજીત બજેટ 25 થી 30 ટકાની વચ્ચે રાખવાનું રહેશે અને આ મહિનાના અંત સુધીમાં તેને ફાઇનલ કરી દેવાશે.
સરકારી સૂત્રોનુસાર, CGST, SGST, VAT, સ્ટેમ્પ ડ્યૂટી અને અન્ય ટેક્સ દ્વારા સરકારને મળતી આવકમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ખર્ચ ઘટ્યો છે ત્યારે રાજ્ય સરકારે તમામ વિભાગોને અંદાજીત બજેટમાં કાપ મૂકવાની સૂચના આપી છે. આ વર્ષે માર્ચ મહિનામાં રાજ્ય સરકારે 2.17 લાખ કરોડ રૂપિયાનું અંદાજીત બજેટ રજૂ કર્યું હતું. પરંતુ લોકડાઉન અને આર્થિક પ્રવૃત્તિ પરના અન્ય નિયંત્રણનોના કારણે રાજ્યની આવક અંદાજીત સ્તર કરતાં નીચી રહી હતી.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, કોરોના મહામારીના કારણે સરકારને મળતા ટેક્સમાં ઘટાડો થયો છે. સરકારે તમામ વિભાગોને સંયમનના માપદંડો અપનાવવાનું કહી દીધું છે. સુધારેલ બજેટમાં આની અસર જોવા મળશે. હાલ તો અમે સુધારેલા બજેટને ફાઇનલ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.
નવેમ્બરના અંત સુધીમાં તમામ સ્ત્રોતો મારફતે સરકારે 45,894 કરોડ રૂપિયાની આવક થઇ છે, જે અંદાજીત બજેટના 45.30 ટકા છે. નાણાકીય વર્ષના બાકીના ચાર મહિના દરમિયાન બધા સ્ત્રોત દ્વારા થયેલી આવક અંદાજીત બજેટના 65 થી 70 ટકા સુધી પહોંચી શકે છે.
(સંકેત)