Site icon Revoi.in

ગુજરાતના પાટણ જીલ્લાની અનોખી પહેલ, અહીંયા માત્ર 1 રૂપિયામાં મળશે શબવાહિની

Social Share

પાટણ: કોરોનાના સતત વધતા પ્રકોપ વચ્ચે પાટણ પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પાટણ પાલિકા દ્વારા હવે 1 રૂપિયાના ટોકનમાં શબવાહિની આપવાનો નિર્ણય કરાયો છે. પાટણ પાલિકાની આ શબવાહિની કોવિડમાં મૃત્યુ પામ્યા હોય તેમના સ્વજનોને આપવામાં આવશે. કોવિડમાં મૃત્યુ પામનાર પરિવારના સ્વજન પાલિકામાં આવી નોંધણી કરાવીને માત્ર 1 રૂપિયાના ટોકનમાં શબવાહિની મેળવી શકશે.

પાટણ શહેર સહિત જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવાને કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. આને કારણે પાટણ જીલ્લામાં દૂર દૂરથી કોરોના દર્દીઓની સારવાર માટે લોકો આવતા હોય છે. ત્યારે જો દર્દીનું મોત થાય તો તેમની અંતિમ વિધિ માટે ક્યાં લઇ જવા અને કેવી રીતે લઇ જવા તે મોટી મુશ્કેલી પરિવારો માટે ઉપસ્થિત થતી હોય છે. તેથી પાટણ પાલિકાએ આ નિર્ણય લીધો છે.

માત્ર 1 રૂપિયાના ટોકનથી શબવાહિની મેળવવા માટે પાલિકાને જાણ કરવાની રહેશે. જેથી નોંધણી બાદ જે સ્થળ પર જણાવો ત્યાં શબવાહિની પહોંચાડવામાં આવશે. તે ઉપરાંત, મૃતદેહના કોવિડની ગાઇડલાઇન અનુસાર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાશે. તે માટે મૃતકના પરિવારજનોને માત્ર પાલિકામાં નોંધણી કરાવવાની રહેશે.

પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા માર્કેટ યાર્ડના વેપારીઓએ સ્વૈચ્છિક બંધનો મહત્વનો નિર્ણય લીધો છે. પાટણ માર્કેટ યાર્ડ આગામી તારીખ 6 મેથી 15 મે સુધી સંપૂર્ણ બંધ રહેશે. પાટણ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા પત્ર લખી બંધ રાખવાનો જાહેરાત કરાઈ છે. આમ, કોરોનાને કારણે પાટણ માર્કેટ યાર્ડમાં 10 દિવસ માટે સંપૂર્ણપણે લોકડાઉન રહેશે.

(સંકેત)