- આખરે ધૈર્યરાજને મૂકાયું કરોડો રૂપિયાનું ઇન્જેક્શન
- લોકોની મદદ અંતે રંગ લાવતા, 16 કરોડ રૂપિયા એકત્ર થયા હતા
- ધૈર્યરાજની સારવાર બાદ રાઠોડ પરિવારે દરેક દાનવીરોનો આભાર માન્યો
મુંબઇ: મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકોનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ રાઠોડ SMA-1 નામની ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે. ત્યારે તેના પિતાએ લોકો પાસે આર્થિક મદદનો હાથ લંબાવ્યો હતો. પરંતુ માત્ર બે મહિનાના ગાળામાં ધૈર્યરાજ માટે દાનની સરવણી થતા 16 કરોડ રૂપિયા એકત્ર થયા હતા. કારણ કે તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાની આવશ્યકતા હતી.
આ રકમ એકત્ર થયા બાદ મુંબઇની હિંદુજા હોસ્પિટલ ખાતે ધૈર્યરાજસિંહ માટે ZOLGENSMAનો આ ડોઝ યુએસથી મંગાવવામાં આવ્યો હતે અને ડોક્ટર દ્વારા આ ડોઝ ધૈર્યરાજને આપી દેવામાં આવ્યો છે અને હાલ ધૈર્યરાજસિંહ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે. આપને જણાવી દઇએ કે ધૈર્યરાજની સારવાર માટે ગુજરાતના દરેક સંગઠનો તેમજ સમાજના લોકોએ અથાગ મહેનત કરીને રકમ એકત્ર કરી હતી.
ધૈર્યરાજને એસ.એમ.એ-1 બીમારી છે અને આ બીમારી માટેનું ઇન્જેક્શન ભારતમાં ઉપલબ્ધ નથી. આ ઇન્જેક્શન વિદેશથી મંગાવવું પડે તેમ છે. ધૈર્યરાજના માતા-પિતા સામાન્ય પરિવારમાંથી આવે છે. તેથી રાઠોડ પરિવારને 16 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર હતી. જેથી સરકાર ધૈર્યરાજની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતાએ કરી હતી. તો બીજી તરફ, આ સમાચાર ચર્ચામાં આવતા ધૈર્યરાજ માટે લોકોએ મોટા પાયે દાન આપ્યું હતું.
બે મહિનામાં જ 16 કરોડ રૂપિયા એકઠા થયા છે. બાળકના પિતા રાજદીપસિંહ રાઠોડે જણાવ્યું કે, માત્ર 42 દિવસમાં મારા દીકરા માટે મદદ એકઠી થઈ શકી છે. હું એ તમામ દાનવીરોનો આભાર માનુ છું. જીન થેરાપીનું આ ઈન્જેક્શન સ્વિત્ઝરલેન્ડી ફાર્મા કંપની નોવાર્ટિસ પાસેથી મળ્યું છે. ભારત સરકારે તેના પર લાગતુ 6.5 કરોડની ડ્યુટી માફ કરીને તેને સરળ બનાવ્યું છે.
ધૈર્યરાજને કઇ બીમારી છે
ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet) સાથે જન્મ્યો છે. જેને કરોડરજ્જૂની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જૂમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. જે નુકસાન તરફ દોરી જાય છે.
(સંકેત)