ફેન્સી નંબરની થઇ હરાજી, શોખીનોએ 9 નંબર 1.94 લાખમાં ખરીદ્યો, આ નંબર માટે પણ થઇ હરાજી
- અમદાવાદ આરટીઓ ખાતે નવી સીરિઝ માટે થઇ હરાજી
- ફેન્સી નંબરના શોખીનોએ પસંદગીના નંબર માટે 1 લાખથી વધુ રૂપિયા આપ્યા
- 125 જેટલા અરજદારોએ પસંદગીનો નંબર મેળવવા માટે અરજી કરી હતી
અમદાવાદ: અમદાવાદ આરટીઓ ખાતે કારની હાલની સિરીઝ GJ-01-WA પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે તાજેતરમાં નવી સિરીઝ GJ-01-WB શરૂ કરવામાં આવી છે. આ સીરિઝ માટે કરવામાં આવતા ઇ-ઓક્શનમાં પસંદગીના નંબર લેવા માટે વાહન માલિકોએ વાહનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, 125 જેટલા અરજદારોએ પસંદગીનો નંબર મેળવવા માટે અરજી કરી હતી. ઇ-ઓક્શનમાં 9 નંબર માટે સૌથી વધુ 1.94 લાખ જ્યારે 111 નંબર માટે 1.30 લાખ જેટલી ઊંચો બોલી લગાવીને શોખીનોએ પસંદગીનો નંબર ખરીદ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, નવી સિરીઝના નંબર માટે 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી હતી. જેમાં 125 જેટલા લોકોએ પસંદગીનો નંબર ખરીદવા માટે અરજી કરી હતી. જેમાં મોટાભાગના કિસ્સામાં એક જ અરજદારે પસંદગીનો નંબર મેળવવા માટે રસ દાખવતા તેમની પાસેથી નિયત ફી લઇને તેમને નંબર ફાળવી દેવાયો હતો. જો કે, અનુક નંબરમાં એક કરતા વધારે અરજદારો હોવાથી તે નંબર માટે હરાજી થઇ હતી.
લકી ગણાતા 9 નંબર માટે એક કરતાં વધુ અરજદારો હોવાથી ઇ-ઓક્શન કરવામાં આવ્યું હતું અને છેવટે સુખદેવ વાઘેલા નામના વ્યક્તિએ સૌથી વધારે 1.94 લાખની બોલી લગાવતા નંબર તેમને ફાળવી દેવાયો હતો.
આ જ રીતે, 111 નંબર માટે પણ એક કરતા વઘારે અરજદારો હોવાથી તેના માટે પણ માટે બોલી લગાવાઈ હતી, અને છેવટે 1.30 લાખમાં આ નંબર અજય નામના વ્યક્તિએ ખરીદ્યો હતો. તેમજ 2070 માટે પણ એક કરતા વધુ અરજદાર હોવાથી તેની પણ બોલી લાગી હતી અને તે નંબર 11 હજાર રૂપિયામાં વેચાયો હતો.
અમદાવાદ RTOમાં કારની નવી સિરીઝ ખુલતા ઈ-ઓક્શન થયું હતું. જેમાં 9 નંબર માટે સૌથી વધુ બોલી લગાડતા 1.94 લાખમાં વેચાયો હતો. આ ઉપરાંત 111 નંબર 1.30 લાખમાં, 2070 નંબર 11 હજારમાં, 5554 નંબર 8 હજારમાં જ્યારે 1, 5, 7, 999, 7777, 8888 તેની બેઝ પ્રાઈસ 25000 રૂપિયામાં વેચાયા હતા.
(સંકેત)